ખેડૂતોના 21 ફેબ્રુઆરીએ દિલ્હી ચલો માર્ચ પહેલા ખેડૂત નેતા સરવન સિંહ પંઢેરે પ્રદર્શન વચ્ચે આગળનો પ્લાન જણાવ્યો છે. ખેડૂત નેતાએ સ્પષ્ટ કહ્યું કે દિલ્હી સાથે જોડાયેલા ભાજપ શાસિત હરિયાણામાં કાશ્મીર જેવી સ્થિતિ છે. સરકાર અમને આગળ વધવા દેતી નથી માટે અમે તો મજબૂરીમાં આગળ વધીશું. જે કઇ પણ પરિણામ હશે તેના માટે ભારત સરકાર જવાબદાર હશે.
અન્ય એક ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલે જણાવ્યું કે સરકારની નીયતમાં ખોટ છે. સરકાર અમારી માંગો પર ગંભીર નથી. અમે ઇચ્છીએ છીએ કે સરકાર 23 પાક પર MSP એટલે કે ન્યૂનતમ સમર્થન મૂલ્યની ફૉર્મૂલા નક્કી કરે. સરકારના પ્રસ્તાવથી ખેડૂતોને કોઇ લાભ થવાનો નથી. ડલ્લેવાલે કહ્યું કે અમે નક્કી કર્યું છે કે સરકાર તરફથી જે પ્રસ્તાવ આપવામાં આવ્યો છે, તેમાં કોઇ રીતની સ્પષ્ટતા નથી. સરકારે જે પ્રસ્તાવ આપ્યો છે, તેમાં કઇ જોવા મળતું નથી. અમારી સરકાર 1.75 લાખ કરોડ રૂપિયાનું પામ ઓઇલ બહારથી ખરીદે છે પરંતુ આટલી રકમ ખેતી માટે તેલિબિયા માટે નક્કી કરવામાં આવે તો ખેડૂતોને ઘણો ફાયદો થાત.
ડલ્લેવાલે કહ્યું કે આ પ્રસ્તાવ ખેડૂતોના પક્ષમાં નથી. અમે પ્રસ્તાવને ફગાવીએ છીએ. ભગવંત માનને આ મીટિંગમાં બેસાડવામાં આવ્યા કે અમારા મુખ્યમંત્રી અમારી પરેશાની સાંભળશે કે તેમની જમીન પર ઇન્ટરનેટ ચાલતુ નથી, તેમના રાજ્યની જમીન પર ટિયર ગેસના સેલ છોડવામાં આવી રહ્યાં છે. હરિયાણાના DGP પણ કહી રહ્યાં છે કે ટિયર ગેસના સેલ છોડ્યા નથી. જો આવું છે તો શું અહીં તેમની જાણકારી વગર 400 લોકોને ઘાયલ કરી દેવામાં આવ્યા, જેને પણ કર્યું સુપ્રીમ કોર્ટ કાર્યવાહી કરે. સરકાર ઇચ્છે છે કે અમે ઉગ્ર બની જઇએ પરંતુ સમસ્યા હલ નથી કરતી તો અમને આરામથી દિલ્હી જવા દો.