પાકિસ્તાનમાં નવી સરકારનું સસ્પેન્સ સમાપ્ત થઈ ગયું છે. 12 દિવસ પછી, નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) અને બિલાવત ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) વચ્ચેના જોડાણની ફોર્મ્યુલાને આખરે મંજૂરી મળી ગઈ છે. બંને પક્ષો વચ્ચે લાંબા સમયથી વાતચીત ચાલી રહી હતી. મંગળવારે મોડી રાત્રે બંને પક્ષોના હાઈકમાન્ડે ગઠબંધનમાં સરકાર બનાવવાની જાહેરાત કરી દીધી છે.
પીપીપીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ જાહેરાત કરી હતી કે શહેબાઝ શરીફ (72 વર્ષ) પીએમએલ-એનમાંથી ફરી એકવાર વડાપ્રધાન બનશે. બંને પક્ષો ગઠબંધન સરકાર બનાવવા માટે તૈયાર છે. પત્રકારો સાથે વાત કરતા બિલાવલે કહ્યું, પીપીપી અને પીએમએલ-એનએ જરૂરી સંખ્યા હાંસલ કરી લીધી છે અને હવે અમે સરકાર બનાવવાની સ્થિતિમાં છીએ.
સમજૂતીની ફોર્મ્યુલા અનુસાર, પીપીપીના કો-અધ્યક્ષ આસિફ ઝરદારી (68 વર્ષ) ફરીથી દેશના રાષ્ટ્રપતિ બનશે. PML-Nના વરિષ્ઠ ઉપાધ્યક્ષ અને નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝ (50 વર્ષ)ને પંજાબના મુખ્યમંત્રી પદ માટે નામાંકિત કરવામાં આવી હોવાના અહેવાલો છે.
બિલાવલે વધુમાં જણાવ્યું હતું કે, ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) પાર્ટી અને સુન્ની ઇત્તેહાદ કાઉન્સિલ (SIC) દ્વારા સમર્થિત ઉમેદવાર કેન્દ્રમાં સરકાર બનાવવા માટે સંસદમાં સરળ બહુમતી મેળવવામાં નિષ્ફળ રહ્યા છે. બિલાવલે આશા વ્યક્ત કરી કે પીએમએલ-એન સાથે ગઠબંધન સરકાર બનાવવાના રાજકીય જોડાણના સમાચારને પણ બજારમાં સકારાત્મક પ્રતિક્રિયા જોવા મળશે. હાલમાં પાકિસ્તાન રોકડ સંકટનો સામનો કરી રહ્યું છે.