સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લાભાર્થી સંમેલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમમાં શિવસેના સાંસદ કલાબેન ડેલકર અમિત શાહ સાથે સ્ટેજ પર જોવા મળ્યા હતા, જેને લઈને તેમની ભાજપમાં જોડાવાની અટકળો વહેતી થઈ છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની મુલાકાતે હતા, જ્યાં તેઓએ સેલવાસના સાયલીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાયેલા લાભાર્થી સંમેલનને સંબોધ્યું હતું. આ સંમેલનમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓ અને પ્રદેશના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ગૃહમંત્રીએ વિકસિત ભારત મોદી કી ગેરંટી અભિયાન અંતર્ગત કેન્દ્ર સરકારના પ્રધાનમંત્રી આવાસ યોજના અને ઉજ્વલા યોજનાના લાભાર્થીઓને લાભો પણ એનાયત કર્યા હતા. આ પ્રસંગે સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલની સાથે ભાજપના પ્રદેશ અગ્રણીઓ અને મોટી સંખ્યામાં પ્રદેશના લોકો અને લાભાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ગૃહમંત્રી અમિત શાહે અનેક મુદ્દે વિરોધ પક્ષોને આડે હાથ લીધા હતા. કાર્યક્રમમાં અમિત શાહે ઉપસ્થિત લોકોને નરેન્દ્ર મોદીને સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનાવવા માટે અપીલ કરી હતી અને સંબોધનમાં અમિત સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીની લોકસભા બેઠક પણ મોદીજીની જોલીમાં નાખી ભાજપને 400 પાર કરાવવા અપીલ પણ કરી હતી.
આ પ્રસંગે અમિત શાહ ઇન્ડિ ગઠબંધનને પરિવારવાદી ગઠબંધન ગણાવ્યું હતું અને એક તરફ દેશભક્તિથી ઓતપ્રોત નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે અને બીજી બાજુ પોતાના પરિવારજનોને મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી બનાવવાના પ્રયાસ કરતા પરિવારવાદી ગઠબંધન વચ્ચે લોકોને નરેન્દ્ર મોદીની સાથે રહીને દેશભક્તિમાં જોડાવવા અપીલ કરી હતી.
દાદરા નગર હવેલીની પેટા ચૂંટણીમાં ભાજપ ઉમેદવારને હરાવીને કલાબેન ડેલકર જીત્યા હતા, ત્યારબાદ પરિવાર સાથે વડાપ્રધાન મોદીની મુલાકાત કરી હતી એ સમયની તસ્વીર.
આ સંમેલનમાં સૌથી સૂચક હાજરી સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના શિવસેનાના ઉદ્ધવ ગ્રુપના સાંસદ કલાબેન ડેલકરની હાજરી જોવા મળી હતી. કલાબેને સ્ટેજ પર જઈ ગૃહમંત્રી અમિત શાહનું સ્વાગત અને અભિવાદન પણ કર્યું હતું.
બીજી તરફ દમણ અને દીવના સાંસદ લાલુભાઈ પટેલ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે કલાબેન ડેલકર આવા કાર્યક્રમમાં આવે છે તે ઘણું સારું છે ગૃહમંત્રીનું સન્માન જાળવે છે. દાદરા નગર હવેલીની જીત નક્કી જ છે. 2009 અને 2014માં અમે જીત્યા જ હતા એટલે આ વખતે પણ જીતીશું. સાથે જ કલાબેન ડેલકરના ભાજપમાં જોડાવવાના પ્રશ્ન પર પ્રતિક્રિયા આપતા તેમણે જણાવ્યું હતું કે સમય સમયની વાત છે કોઈ પણ ભાજપમાં જોડાઈ શકે છે.