કેન્દ્ર સરકારે 11 માર્ચે દેશભરમાં CAA લાગુ કર્યો આ અંગે વિપક્ષની પાર્ટીઓ સતત વિરોધ કરી રહી છે. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી આજે CAAના વિરોધમાં સિલિગુડીમાં રેલી કરશે. પશ્ચિમ બંગાળના મંત્રી અરૂપ બિસ્વાસે કહ્યું, સિલિગુડીમાં રોડ શો મૈનાકથી શરૂ થશે અને વિનસ પર સમાપ્ત થશે. મમતા બેનર્જી રોડ શોમાં ભાગ લેશે.
બીજી તરફ કેરળમાં પણ નાગરિકતા સંશોધન કાયદા (CAA) સામે વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે. જ્યારે આસામમાં 30 આદિવાસી સંગઠનો અને 16 પક્ષોનું વિપક્ષનું મંચ વિરોધમાં ઉતર્યું છે. ગઈકાલે, આસામ સ્ટુડન્ટ્સ યુનિયન (AASU) પણ રાજ્યમાં 12 કલાકની ભૂખ હડતાલ પર ઉતર્યુ હતું.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે CAA માટે જારી કરાયેલ નોટિફિકેશનમાં નિયમો સ્પષ્ટ નથી. આ ગેરબંધારણીય છે અને સમાજમાં ભેદભાવ ઉભા કરે છે. મંગળવારે ઉત્તર 24 પરગના જિલ્લાના હાબરામાં એક કાર્યક્રમને સંબોધતા મમતાએ કહ્યું- મેં CAAના કારણે જ નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન (NRC)નો વિરોધ કર્યો હતો. હું લોકોને વિનંતી કરું છું કે કાયદા હેઠળ નાગરિકતા માટે અરજી કરતા પહેલા બે વાર વિચાર કરો.મમતાએ વધુમાં કહ્યું- મને ડર છે કે હાલના નાગરિકોને પહેલા ગેરકાયદેસર ઈમિગ્રન્ટ જાહેર કરવામાં આવશે અને પછી તેમને નવી નાગરિકતા આપવામાં આવશે.
કેરળમાં પણ CPI(M)એ CAAને વિરોધ કર્યો છે. એક નિવેદનમાં, પાર્ટીએ આરોપ લગાવ્યો કે તેના નિયમો કોઈક રીતે NRC સાથે જોડાયેલા છે અને આશંકા વ્યક્ત કરી છે કે મુસ્લિમ મૂળના નાગરિકોને નિશાન બનાવવામાં આવશે. બીજી તરફ, રાજ્યમાં લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF) અને યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) બંનેએ મંગળવારે આ નિર્ણયની નિંદા કરતા રેલી કાઢી હતી.
બીજેપીના પ્રદેશ અધ્યક્ષ કે સુરેન્દ્રને આરોપ લગાવ્યો કે CPI(M)ની આગેવાની હેઠળની LDF અને કોંગ્રેસના નેતૃત્વવાળી UDF CAAની આડમાં લોકોને વિભાજિત કરી રહી છે. ભાજપના વરિષ્ઠ નેતા પ્રકાશ જાવડેકરે કહ્યું કે મુખ્યમંત્રી પી વિજયન જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
આસામમાં CAA સામે વિરોધ ફાટી નીકળ્યો હતો અને મોદી, શાહના પૂતળાં અને કાયદાની નકલો સળગાવવામાં આવી હતી. આસામમાં દેખાવકારોનું કહેવું છે કે CAA લાગુ થયા બાદ લાખો લોકો રાજ્યમાં પ્રવેશ કરશે. આસામ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર વિરોધને રોકવા માટે ગુવાહાટીમાં વિવિધ સ્થળોએ બેરિકેડિંગ કરવામાં આવ્યા છે. ઘણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાલી પડેલી જગ્યામાં કામચલાઉ જેલો બનાવવામાં આવી રહી છે.