ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે, 15 માર્ચે કહ્યું હતું કે પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર ભારતનો એક ભાગ છે. ત્યાં રહેતા તમામ લોકો ભારતીય છે, પછી તે હિન્દુ હોય કે મુસ્લિમ. શાહે નાગરિકતા સંશોધન કાયદાપર પણ વાત કરી. આ કાયદાના દાયરામાં મુસ્લિમોને બહાર રાખવા પર તેમણે કહ્યું- CAA હેઠળ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ભારત આવેલા હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, ખ્રિસ્તી અને પારસી શરણાર્થીઓને નાગરિકતા આપવામાં આવશે. આ ત્રણ ઇસ્લામિક દેશો છે. ત્યાં મુસ્લિમો પર કોઈ જુલમ થતો નથી.
ગૃહમંત્રીએ કહ્યું- ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુ સહિત કોંગ્રેસના ઘણા નેતાઓએ કહ્યું હતું કે પાકિસ્તાનથી આવનાર લઘુમતીઓનું ભારતમાં સ્વાગત કરવામાં આવશે. તે સમયે પાકિસ્તાનમાં હિંદુઓની વસ્તી 23 ટકા હતી. હવે તે ઘટીને બે ટકા થઈ ગઈ છે. બાંગ્લાદેશમાં હિન્દુઓની સંખ્યા 22 ટકાથી ઘટીને 10 ટકા થઈ ગઈ છે. અગાઉ અફઘાનિસ્તાનમાં શીખોની સંખ્યા બે લાખની આસપાસ હતી. હવે ત્યાં માત્ર 378 શીખ બચ્યા છે. કોંગ્રેસે જે વચન આપ્યું હતું તે અમે પૂરું કર્યું છે.
અમિત શાહે CAAનો વિરોધ કરી રહેલા નેતાઓ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું- જે લોકો એવું કહીને CAA નો વિરોધ કરી રહ્યા છે કે આ કાયદો ધર્મ પર આધારિત છે, તે જ લોકો મુસ્લિમ પર્સનલ લો જેવા કાયદાનું સમર્થન કરે છે. CAAમાં નાગરિકતા છીનવી લેવાની કોઈ જોગવાઈ નથી. CAAના નામે વિરોધ પક્ષો મુસ્લિમોને ભડકાવી રહ્યા છે. CAAને કારણે કોઈ પણ વ્યક્તિ તેમની નાગરિકતા ગુમાવશે નહીં. હું મુસ્લિમ ભાઈ-બહેનોને કહીશ કે વિપક્ષની વાત ન સાંભળો.