સોનાના ભાવમાં ફરી જોરદાર તેજી થઈ છે અને ભાવ વિક્રમ સપાટીએ પહોંચ્યો છે. વિશ્વબજારમાં ભાવ 2200 ડોલરને વટાવી ગયો હતો. સોનાની આજની તેજી પાછળ અમેરિકી કારણ ઉપસ્યુ છે. કેટલાંક દિવસોથી અમેરિકી વ્યાજદરમાં ઘટાડો થવાની અટકળોની અસરે ભાવો અટવાઈ ગયા હતા પરંતુ આજે ચિત્ર સ્પષ્ટ થતા તેજી થઈ ગઈ હતી. જો કે, ફંડ રિઝર્વ દ્વારા ચાલુ કેલેન્ડરવર્ષમાં ત્રણ વખત વ્યાજદર ઘટાડવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે.
અમેરિકી નિર્ણયને પગલે વિશ્વસ્તરે સોનુ સળગ્યુ હતું. આંતરરાષ્ટ્રીય કિંમત વધુ એક વખત 2200 ડોલરને વટાવી ગઈ હતી. આજે સવારે 2203 ડોલરનો ભાવ સાંપડયો હતો. રાજકોટમાં 10 ગ્રામ સોનાનો હાજર ભાવ 68500ને આંબી ગયો હતા. કોમોડિટી એકસચેંજમાં 1000 રૂપિયાના ઉછાળાથી ભાવ 66750 પર પહોંચ્યો હતો. ચાંદીના ભાવમાં પણ 1200 રૂપિયાનો ભાવવધારો થયો હતો.
હોળાષ્ટક બાદ ફરી લગ્નગાળો, વસંતપંચમી જેવા પવિત્ર દિવસો આવવાના છે અને ત્યારે ખરીદી વધતી હોય છે પરંતુ ઉંચા ભાવને કારણે ખરીદી ઘટવાની શકયતા નકારાતી નથી. નિષ્ણાંતો સોનાના ભાવમાં વધઘટે તેજી જ રહેવાની અને ચાલુ વર્ષે ભાવ 75000 રૂપિયાના લેવલને આંબી જવાની આગાહી કરી જ રહ્યા છે.