તાતા જૂથની માલિકીની ઍર ઇન્ડિયાની પ્રથમ નવું A350-900 સીરીઝની એરબસ ગત 23 ડિસેમ્બર, 2023ના રોજ ફ્રાન્સના તુલોઝથી સંપૂર્ણ સુવિધા સાથે ઉડાન ભરીને દિલ્હી ઍરપોર્ટ પર ઊતર્યું હતું. આ વિમાન હવે ગત 22 જાન્યુઆરીના રોજ કોમર્શિયલ સર્વિસમાં પ્રવેશ કરી ચૂક્યું છે. ભારતમાં ત્રણ ઍરક્રાફ્ટની ડિલિવરી પણ શરૂ થઇ ગઇ છે. હવે દર મહિને એક-બે વિમાનો આવશે. દરમિયાન અમદાવાદથી લંડન જનારા મુસાફરો માટે પણ સુખદ સમાચાર છે કે ઍર ઇન્ડિયા લંડનના ગેટવીક રૂટ પરથી A350-900 સીરિઝનું ઍરક્રાફ્ટ ઓપરેટ કરશે. હાલ ઍર ઇન્ડિયા આ રૂટ પર 256 મુસાફરોની ક્ષમતા ધરાવતું 787 ડ્રીમ લાઇનર ઓપરેટ કરે છે. આ વિમાનમાં ફક્ત 18 બિઝનેસ ક્લાસ સાથે 238 ઇકોનોમી ક્લાસ સીટ છે. જોકે તેમાં મુસાફરો માટે લકઝુરિયસ સીટની પણ સુવિધા નથી.
હવે એર ઇન્ડિયા દ્વારા આગામી સમયમાં આવનારા નવી સીરિઝના 316 સીટર ઍરક્રાફ્ટમાં મુસાફરો 9 કલાકના અંતરમાં પ્રાઇવેટ બિઝનેસ સ્યુટ સાથે આરામદાયક મુસાફરીનો લાભ લઈ શકશે. અમદાવાદથી લંડન જતા મુસાફરોને આગામી 6 મહિનામાં જ આ નવા ઍરક્રાફટની સુવિધા મળશે. બીજી તરફ ઍર ઇન્ડિયાના જૂના ડ્રીમ લાઇનર વિમાનને વારાફરથી અપગ્રેડ કરવાની કામગીરી શરૂ કરાઇ છે. આમ, હવે લંડન જતા મુસાફરોને વધુ એક સુવિધા મળશે.






