હથિયારનો પરવાનો ધરાવતી જૂનાગઢની મહિલાએ કેશોદ પોલીસ સ્ટેશને આવી મારી પાસે સ્વરક્ષણ માટે પરવાનાવાળી રિવોલ્વર હોય મઢડા સોનલ મંદિરે લઈ જવી હિતાવહ ન હોય મઢડા ભીમનાથ મંદિરના મહંતને સોંપી હતી. જે હથિયાર મહંત પાસેથી પરત માંગતાં તેમણે ગુમ થયાનું જણાવી પરત કર્યું ન હોય તેવી ફરિયાદ કરી હતી. આથી પરવાના વગર ગેરકાયદેસર હથિયાર રાખવા તેમજ મહિલા સાથે છેતરપીંડી કરી હોય ગુન્હોં બનતો હોય અને બીજી તરફ મહિલાએ પરવાનાવાળું હથિયાર સાચવવા બેદરકારી રાખી હોય પોલીસે બંને વિરૂદ્ધ હથિયાર ધારા હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જૂનાગઢમાં અંબિકા ચોક પાસે નાગર રોડ ઉપર આવેલ સરિતા એપાર્ટમેન્ટમાં રહેતા ગંગાબેન ઉર્ફે ગીતાબેન હીરાભાઇ રાઠોડ નામની મહિલાએ કેશોદ પોલીસ સ્ટેશન આવી પોતાની પાસે પરવાનાવાળી રિવોલ્વર હોય જેની મુદ્ત 24 ડિસે. 2023ના રોજ પૂરી થતી હોય આ રિવોલ્વર લઈ તે 1 જાન્યુ. 2024ના મઢડા સોનલ ધામ દર્શને ગયાં હતાં. આ હથિયાર મંદિરમાં લઈ જવું હિતાવહ ન હોય મઢડા ખાતેના ભીમનાથ મહાદેવ મંદિરના પુજારી રોહીતગીરી નીરંજનદેવગીરીને સાચવવા આપ્યું હતું. મહિલાએ સોનલધામ મંદિરે દર્શન કરી તબિયત બગડતાં એક દિવસ રાત્રી રોકાણ કરી બીજે દિવસે બસ મારફત જૂનાગઢ બાદ સાળંગપુર બરવાળા આશ્રમે ગયાં હતાં.
જયાં તેમની તબિયત ખરાબ હોય મોબાઈલ બંધ કર્યો હતો. જયારે તા. 7 જાન્યુ 2024 સુધી બંધ રાખેલ મોબાઈલ ચાલું કરતાં મહિલાને મઢડા ખાતેના ભીમનાથ મહાદેવ મંદિરના મહંતનો ફોન આવ્યો કે તમે સાચવવા આપેલ હથિયાર ગુમ થઈ ગયું છે. આ ઘટના પોલીસને વર્ણવતાં પોલીસે ફરિયાદી મહિલા વિરૂદ્ધ રિવોલ્વર સાચવવા બેદરકારી દાખવવામાં આવી હોય તેમજ મંહતે ગેરકાયદેસર હથિયાર રાખવા બદલ બંને વિરૂદ્ધ આઇપીસી કલમ 29 (b), 30 તેમજ રિવોલ્વર મહિલાને પરત ન કરતાં મહંત વિરૂદ્ધ 406, 420 છેતરપિંડી સહિતનો ગુનો નોંધાતાં પોલીસે ગુમ થયેલ હથિયારની શોધખોળ હાથ ધરી છે.