રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટીપ્પણી મામલે ભાજપ હાઈકમાન્ડ એક્શનમાં આવ્યું છે. આ વિવાદ વકરતા ઈન્ચાર્જ ચૂંટણી પ્રભારી બી.એલ .સંતોષે સુચના આપ્યા બાદ ભાજપના તમામ એટલે કે 26 ઉમેદવારોને વિવાદાસ્પદ નિવેદન ન આપવા માટે આદેશ કરવામાં આવ્યો છે.
બી.એલ.સંતોષે આ અંગે સૂચના આપ્યા બાદ ભાજપ પ્રદેશ દ્વારા એક વીડિયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ વીડિયો કોન્ફરન્સમાં ભાજપના તમામ ઉમેદવારોને વિવાદોથી બચવા માટે જણાવવામાં આવ્યું હતું. થોડા દિવસ પહેલા રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ વાલ્મિકી સમાજનાં કાર્યક્રમમાં જાહેરમાં ક્ષત્રિય સમાજ અને રાજવી પરિવારની લાગણી દુભાય તે પ્રકારનું નિવેદન કરતાં ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો. જેથી પૂર્વ શિક્ષણમંત્રી અને ક્ષત્રિય સમાજનાં આગેવાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપરાંત હાલના રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ સહિતનાં રાજવીઓ ઉપરાંત કોંગ્રેસના મહેશ રાજપૂતે નારાજગી વ્યકત કરી હતી. જે બાદ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માંગતો વીડિયો જાહેર કર્યો અને કહ્યું કે, મારો આશય વિધર્મીઓ ઝૂલ્મોનું નિરૂપણ કરવાનો. ક્ષત્રિય સમાજ કે રાજવી પરિવારની લાગણી દુભાય તેવો કોઈ જ ઈરાદો ન હતો.





