ટેલિકોમ વિભાગે ટેલિકોમ કંપનીઓને આગામી 15 એપ્રિલથી USSD આધારિત કોલ ફોરવર્ડિગને નિષ્ક્રિય કરવાનો તેમજ તેને ફરીથી સક્રિય કરવા માટે અન્ય વૈકલ્પિક પદ્ધતિ અપનાવવાનો આદેશ કર્યો છે.
મોબાઇલ યુઝર્સ તેમની ફોન સ્ક્રીન પર રહેલ કોઇ પણ એક્ટિવ કોડને ડાયલ કરીને USSD સેવાનો ઉપયોગ કરે છે. આ સેવાનો મોટા ભાગે IMEI નંબર ચેક કરવા તેમજ મોબાઇલ ફોનનું બેલેન્સ જાણવા સહિતના હેતુ માટે ઉપયોગ કરવામાં આવે છે. સ્માર્ટફોન દ્વારા થતા ફ્રોડ અને ઑનલાઇન ગુનાઓને રોકવા માટે આ આદેશ જારી કરવામાં આવ્યો છે.
28 માર્ચના આદેશમાં ટેલિકોમ વિભાગે જણાવ્યું હતું કે તેમના ધ્યાનમાં આવ્યું છે કે કોલ ફોરવર્ડિંગ સર્વિસ માટે સામાન્ય રીતે જાણીતા *401# સર્વિસનો કેટલીક અનિચ્છનીય પ્રવૃત્તિઓ માટે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સંદર્ભમાં, વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે તમામ લાઇસન્સધારકોએ 15 એપ્રિલથી આગળની નોટિસ સુધી અત્યારની USSD આધારિત કોલ ફોરર્વિંડ સેવાને બંધ કરવી પડશે. અત્યારના મોબાઇલ યુઝર્સને અન્ય પદ્ધતિ દ્વારા કોલ ફોરવર્ડિંગ સેવા સક્રિય કરવા માટે કહેવામાં આવે તેવી શક્યતા છે.