બુધવારે તાઇવાનમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેના આંચકા જાપાન અને ફિલિપાઈન્સમાં પણ અનુભવાયા હતા. આ પછી તાઈવાન, જાપાન અને ફિલિપાઈન્સમાં સુનામી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
તાઈવાનના મીડિયા અનુસાર, તાઈવાનમાં 10 હજારથી વધુ ઘરો વીજળી ગુલ થઈ છે. ભૂકંપના કારણે વાયર અને પાવર પ્લાન્ટને નુકસાન થયું છે. વીજ પાવર સપ્લાય ફરીથી શરુ કરવાની કામગીરી ચાલી રહી છે.જાપાનના હવામાન વિભાગે સમુદ્રમાં 3 મીટર એટલે કે લગભગ 10 ફૂટ સુધી મોજા ઉછળવાની આગાહી કરી છે. જો કે હજી સુધી જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.
તાઈવાનના સેન્ટ્રલ વેધર બ્યુરોના જણાવ્યા અનુસાર, 25 વર્ષમાં તાઈવાનમાં આવેલો આ સૌથી ખતરનાક ભૂકંપ છે. આ પહેલા 1999માં 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારે 2 હજારથી વધુ લોકોના મોત થયા હતા. તાઈવાનની હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર, પૂર્વ તાઈવાનના હુલિએન શહેરમાં ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્ર ધરતીથી 34 કિલોમીટર નીચે હતું. ભારતીય સમય અનુસાર સવારે 5:30 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઘણા આફ્ટરશોક્સ પણ આવ્યા છે. તેમાંથી સૌથી તેજ 6.5ની તીવ્રતાનો આફ્ટરશોક હતો.