નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના અબ્રામા ગામમાંથી પરિણીતાના સળગેલી હાલતમાં મળી આવેલા મૃતદેહની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. મહિલાની તેના જ પ્રેમીએ ગળેટૂંપો આપી હત્યા કર્યા બાદ લાશને ડીઝલ છાંટી સળગાવી નાખી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરી લીધી છે. પ્રેમિકા વારંવાર પૈસાની માગણી કરતી હોય તેનાથી કંટાળી પ્રેમીએ હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. હત્યા માટે પ્રેમીએ YOUTUBE પરથી માહિતી મેળવી હોવાની કબૂલાત કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
નવસારી શહેરમાં આવેલી એક નામાંકિત શાળામાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો રાજેશ જીવણ પટેલ અને અહીં જ સફાઈ કામ માટે આવતી મુક્તિ પટેલની ઓળખાણ થઈ હતી. બંને પરિણીત હોવા છતા એકબીજાના પ્રેમસંબંધમાં અંધ બન્યા હતા. જો કે, મુક્તિ પટેલ અવારનવાર રાજેશ પાસે પૈસાની માગણી કરતી રહેતી હતી. જેનાથી રાજેશ કંટાળી ગયો હતો અને મુક્તિ પટેલની હત્યા કરવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો.