લોકસભા ચૂંટણી ટાણે ક્ષત્રિય સમાજ અંગે વિવાદિત ટિપ્પણી કરતાં પરશોત્તમ રૂપાલાએ ભાજપને મુશ્કેલીમાં મૂકી દીધો છે. તેમની આ ટિપ્પણીની અસર હવે ગુજરાતની મહત્ત્વપૂર્ણ બેઠકો સહિત અન્ય રાજ્યોમાં પણ દેખાઈ રહી છે. તો બીજી તરફ ક્ષત્રિય સમાજ રૂપાલાની માફી નહીં ટિકિટ રદ કરવાની માંગ પર અડગ છે. ત્યારે હવે ભાજપ હાઈકમાન્ડના નિર્ણય પર સૌની નજર છે. રૂપાલા વિવાદ ઉકેલવા માટે પરશોત્તમ રૂપાલાની માફી અને બાદમાં પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલ પણ હાથ જોડી માફ કરવા અપીલ કરી ચૂક્યા છે, તેમ છતાં પરિણામ ન આવ્યું.
ગઈકાલે પ્રદેશ ભાજપ પાર્ટીના ક્ષત્રિય સમાજના નેતાઓને ક્ષત્રિય સંકલન સમિતિ પાસે મોકલ્યા.પરંતુ ક્ષત્રિય સંકલન સમિતિએ તો રૂપાલાની ટિકિટ રદ કરવા માટે આજે પાંચ વાગ્યા સુધીનું અલ્ટી મેટમ આપતા હવે સમગ્ર મામલો ભાજપ હાઈકમાન્ડ પાસે છે. ક્ષત્રિય આગેવાનોએ વિવાદિત નિવેદન બદલ પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગ અડગ રાખી છે અને એવી ચેતવણી આપી છે કે અમારા સમાજનું આંદોલન હવે માત્ર રાજકોટ બેઠક પુરતું સિમિત રહ્યું નથી, પરંતુ સમગ્ર ગુજરાતનું બની રહ્યું છે.
ક્ષત્રિય સમાજની ઉમેદવારી બદલવાની હઠ સામે પ્રદેશ નેતાઓના હાથ હેઠાં પડ્યાં છે. છત્તાં હજુ પ્રયાસે ચાલું રાખવામાં આવ્યા છે અને કેન્દ્રીય મોવડીમંડળનું માર્ગદર્શન માંગવામાં આવ્યું છે. આ સંજોગોંમાં નૈતિક જવાબદારી નિભાવવાનો મુદ્દો પણ ચર્ચાઈ રહ્યો છે. ભાજપ પર પોલિટીકલ પ્રેશર વધતું જાય છે. નારાજ ક્ષત્રિયાણીઓની ચેતવણીને અનદેખી કરી શકાય તેમ નથી. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર રૂપાલા ખુદ હાઈકમાન્ડના સંપર્કમાં છે.