કર્ણાટક હાઈકોર્ટના પરિસરમાં બુધવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિ છરી લઈને આવ્યો હતો અને મુખ્ય ન્યાયાધીશ નિલય વિપિનચંદ્ર અંજારિયાની સામે કથિત રીતે ગળું કાપીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન અફરાતફરી મચી ગઈ હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, મૈસુરના રહેવાસી શ્રીનિવાસે કોર્ટ રૂમ નંબર 1ના પ્રવેશદ્વાર પર સુરક્ષા કર્મચારીઓને એક ફાઇલ સોંપી અને કોઈ કંઈ સમજે તે પહેલા તેણે ચીફ જસ્ટિસની હાજરીમાં તેનું ગળું કાપવાનો પ્રયાસ કર્યો. સુરક્ષા કર્મચારીઓએ તરત જ તેને હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. સુરક્ષા કર્મચારીઓએ કહ્યું, ‘અમને ખબર નથી કે તેણે આવું પગલું કેમ ભર્યું. તે કોર્ટ હોલ વનમાં પ્રવેશ્યો અને છરી વડે તેનું ગળું કાપી નાખ્યું. અમારા સિક્યોરિટી સ્ટાફે આ જોયું કે તરત જ તેને બચાવી લીધો. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થળ પરથી કોઈ નોંધ મળી ન હતી.
ચીફ જસ્ટિસ અંજારિયાએ હાઈકોર્ટના પરિસરમાં સુરક્ષાની ક્ષતિઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને હાઈકોર્ટના ઈન્ચાર્જને પૂછ્યું હતું કે તે વ્યક્તિ તીક્ષ્ણ હથિયાર સાથે કોર્ટ પરિસરમાં કેવી રીતે પ્રવેશ્યો. તેમણે પોલીસને સ્થળ પરથી મળેલા તારણો અને પુરાવાઓ રેકોર્ડ કરવાનો આદેશ પણ આપ્યો હતો. પોલીસ હજુ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ વ્યક્તિએ શા માટે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. પોલીસે આપઘાતના પ્રયાસનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. તબીબોએ તેને સ્વસ્થ જાહેર કર્યા બાદ પોલીસ તેનું નિવેદન નોંધશે.