સુરતના કાપોદ્રા નવી શક્તિવિજય સોસાયટી પાસે ગતરાત્ર અમરોલીથી મોપેડ પર વરાછા જતી આર્મીમેનની સગર્ભા પત્નીની છેડતી કરનાર બે ઇસમોને કાપોદ્રા પોલીસે બાઈક નંબરના આધારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ ભાવનગરની વતની અને સુરતમાં વરાછા વિસ્તારમાં રહેતી 28 વર્ષીય પરિણીતાનો પતિ આર્મીમાં ફરજ બજાવે છે. પરિણીતા હાલ સગર્ભા હોવાથી માતા સાથે રહે છે. પરિણીતા ગત સાંજે પોતાના ટુ-વ્હિલર ઉપર અમરોલીથી પોતાના ઘરે જતી હતી. ત્યારે આઠ વાગ્યાના અરસામાં કાપોદ્રા લક્ષ્મી હોટલથી આગળ નવી શક્તિવિજય સોસાયટી પાસે બીઆરટીએસ રોડ પર પાછળથી બે અજાણ્યા શખસ બાઈક પર આવ્યા હતા.પરિણીતાને આંતરી એક એક શખસે કહ્યું હતું કે, તારો મોબાઈલ નંબર આપ. પરિણીતાએ મારો મોબાઈલ નંબર શું કામ જોઈએ છે તેમ પૂછતાં બાઈકચાલક ઝઘડો કરવા લાગ્યો હતો અને પાછળ બેસેલા શખસે નીચે ઉતરી પરિણીતાનો હાથ પકડી લીધો હતો. જેથી ટુ-વ્હિલર આડું કરી મોબાઈલ ફોનમાં વીડિયો બનાવવા લાગતા હાથ પકડનારે વીડિયો બનાવવાની ના પાડી હતી.
થોડીવારમાં લોકોનું ટોળું એકત્ર થતા બંને શખસ પરિણીતા પાસે માફી માગવા લાગ્યા હતા. પરિણીતાએ તેમની સાથે વરાછા પોલીસ સ્ટેશન આવવા કહેતા બંને તૈયાર થયા હતા અને પરિણીતાના ટુ-વ્હિલરની આગળ બાઈક ચલાવતા બરોડા પ્રિસ્ટેજથી યુટર્ન મારી ફરાર થઈ ગયા હતા. વરાછા પોલીસ સ્ટેશન પહોંચેલી પરિણીતાને બનાવ કાપોદ્રા પોલીસ સ્ટેશનની હદમાં બન્યો હોય કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા કહેતા તેણે ફરિયાદ નોંધાવી હતી.