રાજયમાં 2019ની લોકસભાની 26 બેઠકો માટે 64.51 ટકા જેટલું ઉંચુ ઐતિહાસિક મતદાન થયું હતું. તે પુર્વે 2014ની લોકસભાની ચૂંટણીમાં પણ 63.66 ટકા જેટલું ઉંચુ મતદાન નોંધાયું હતું. 2024ની ચૂંટણીમાં પણ મતદાનની ટકાવારી ઉંચી રહે તેવી આશા રાજકીય પક્ષ રાખી રહ્યા છે.
કેન્દ્રીય ચુંટણી પંચ દ્વારા પણ મહતમ મતદાન માટે અનેક રીતે પ્રયાસો થઈ રહ્યા છે. તેમ છતાં નારાજ મતદારો કોઈપણ ઉમેદવાર પસંદ ન હોય તો નોટા (નન ઓફ ધ એબોવ)નો વિકલ્પ પસંદ કરતા હોય છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં 4,09,932 જેટલા મત નોટામાં નોંધાયા હતા. જો કે આ વખતે હાલનો રાજકીય માહોલ શરૂઆતથી જ કેટલીક બેઠકોમાં ચુંટણીની ટિકીટની વહેંચણીથી લઈ સામાજીક મુદાઓ મામલે આક્રોશના કારણે વિવાદાસ્પદ બન્યો છે. કેટલાક વિસ્તારમાં સુવિધાઓ કે અન્ય કારણથી નારાજ નાગરિકો દ્વારા મતદાનના બહિષ્કારની વિગતો બહાર આવી રહી છે તે જોતા ચુંટણી પંચે ભારે પ્રયાસ કરવા પડશે તે નિશ્ચિત છે. તેના કારણે કોઈ પણ ઉમેદવારને મત નહીં આપવા માંગતા નારાજ મતદારો પાસે નોટાનો પણ વિકલ્પ છે તેનો મોટાપાયે ઉપયોગ થાય તેવી ભીતિ સેવાઈ રહી છે.
આદિવાસી બેઠકો ઉપર નોટાનો સૌથી વધુ ઉપયોગ થયો છે. 2019માં નોટામાં સૌથી વધુ વોટ છોટાઉદેપુરમાં પડયા હતા તે પછી દાહોદ, બારડોલી અને પંચમહાલ બેઠકોનો સમાવેશ થાય છે. જે દર્શાવે છે કે આદિવાસી વિસ્તારોમાં મતદારોને લાયક ઉમેદવારો હોતા નથી કે પછી મતદારોની અપેક્ષા મુજબ તેમના વિસ્તારમાં કામ ન થતા આદિવાસી મતદારો આ રીતે તેમનો રોષ કોઈને પણ મતદાન નહીં કરીને વ્યક્ત કરે છે. નોટામાં સૌથી ઓછા મત 6103 સાબરકાંઠા બેઠક પર પડયા હતા. ચુંટણી પ્રચાર દરમિયાન રાજકીય પક્ષોના મોવડીઓ અને ઉમેદવારો દ્વારા મતદારોને મહતમ મતદાન માટે પ્રયાસ કરવા પડશે અન્યથા આ વખતે નોટાને વધુ મત મળે તેવી સંભાવના છે.