લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની પેટાચૂંટણીને લઈને ગુજરાતમાં રાજકીય પક્ષો દોડધામ કરી રહ્યા છે. ત્યારે વડોદરા લોકસભા બેઠક પર છેલ્લા કેટલાક દિવસોથી વિવાદ જોવા મળી રહ્યો છે. ભાજપ દ્વારા ઉમેદવાર બદલવામાં આવ્યા છે. ત્યારે વડોદરાની વાઘોડિયા બેઠક પર પેટાચૂંટણી થવાની છે.
ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપીને અશ્વિન પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. જે ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત થઈ હતી. જોકે હવે ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાતા પેટાચૂંટણી જાહેર કરવી પડી છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે મધુ શ્રીવાસ્તવ ફરી ચર્ચામાં આવ્યા છે.
ભાજપે વાઘોડીયા બેઠક પરથી વિધાનસભાના ઉમેદવાર તરીકે ધર્મેન્દ્રસિંહ વાઘેલાના નામની જાહેરાત કરી છે. બીજી તરફ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ વડોદરામાં આયોજિત કોંગ્રેસ કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. જ્યાં શક્તિસિંહ ગોહિલ સાથે પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ અનેક તર્કવિતર્ક સર્જાયા હતા. ત્યારે હવે સવાલ એ છે કે, મધુ શ્રીવાસ્તવ ચૂંટણી લડશે કે નહીં ? અને જો વાઘોડીયા બેઠક પરથી તેઓ ચૂંટણી લડશે તો કયા પક્ષમાંથી લડશે ? જે સવાલોના જવાબ ખુદ મધુ શ્રીવાસ્તવે મીડિયા સમક્ષ આપ્યા છે.
શક્તિસિંહ ગોહિલ સાથે બેઠક અંગે મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે, ‘આ કોઇ રાજકીય ચર્ચા નહોતી, ભાજપે તો છેડો ફાડી દીધો છે, એ વાતને એક વર્ષ થઇ ગયું. આજે ચર્ચા હતી કે કોંગ્રેસ ટિકિટ આપે તો લડવાનો છે, ના આપે તો પણ લડવાનો(અપક્ષ) છે. મેં ક્યારની માગણી કરેલી છે. ખુલ્લુ મેદાન તો છોડું નહીં. હું લડવાનો… લડવાનો અને લડવાનો… એ નક્કી છે. એમાં કોઈ નવાઈ નથી.
મધુ શ્રીવાસ્તવે કોંગ્રેસનો ખેસ પહેરવા અંગે શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે, ‘અગાઉ પણ અમિત ચાવડાની હાજરીમાં તેમણે અમારો ખેસ પહેર્યો હતો અને અમારા સ્ટેજ પર પણ આવ્યા હતા. દરેકને વાત કરવાનો અધિકાર છે. ભાજપની જેમ કોંગ્રેસમાં અહંકાર નથી.