લોકસભા ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં ચૂંટણી પ્રચાર કરશે. ઉધમપુરમાં વડાપ્રધાન રેલી યોજશે આ અનુસંધાને તેમની સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત, ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ સહિત કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ માટે પ્રચાર પ્રસાર કરશે. જીતેન્દ્ર સિંહ પ્રથમ તબક્કાની ચૂંટણીમાં જમ્મુ-કાશ્મીરની ઉધમપુર લોકસભા બેઠકથી સતત ત્રીજી વખત ફરી ચૂંટણી લડી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે દોઢ મહિનામાં વડાપ્રધાન મોદી જમ્મુ-કાશ્મીરની ત્રીજી વખત મુલાકાતે છે. તેમણે 20 ફેબ્રુઆરી અને 7 માર્ચે જમ્મુ અને શ્રીનગર શહેરોમાં વિશાળ રેલીઓને સંબોધિત કરી હતી જ્યારે અનેક વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન કર્યું હતું. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ઉધમપુર લોકસભા ક્ષેત્રમાં 19 એપ્રિલે મતદાન થશે. આ બેઠક પર ત્રિકોણીય જંગ જોવા મળી રહ્યો છે, જ્યાં કોંગ્રેસે ચૌધરી લાલ સિંહને અને ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીએ પૂર્વ ધારાસભ્ય જી. એમ. સરોરીને ભાજપના વરિષ્ઠ નેતા સામે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે 2019માં કોંગ્રેસના ઉમેદવાર વિક્રમાદિત્ય સિંહને હરાવીને ઉધમપુર લોકસભા બેઠક જાળવી રાખી હતી. વર્ષ 2014માં તેમણે પૂર્વ કેન્દ્રીય મંત્રી ગુલામ નબી આઝાદને 60,976 મતોથી હરાવ્યા હતા.