દુબઈ મેટ્રોની રેડ લાઈન સેવાઓ ખોરવાઈ ગઈ છે. એક મેટ્રો સ્ટેશન પર ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા. આ ઉપરાંત દુબઈથી અન્ય શહેરોની બસ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. મુખ્ય શોપિંગ સેન્ટરો દુબઈ મોલ અને મોલ ઓફ અમીરાત બંનેમાં પાણી ભરાઈ ગયા.
સંયુક્ત આરબ અમીરાતની રાજધાની દુબઈમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ છે. દુબઈની શેરીઓ, ઘરો અને મોલમાં પાણી ભરાઈ ગયા. આકાશમાંથી સતત ગાજવીજ અને વીજળીના ચમકારાથી સ્થાનિક લોકો પરેશાન થઈ ગયા. સોમવારે મોડી રાતથી મંગળવાર સવાર સુધી દેશમાં ભારે વરસાદ ચાલુ રહ્યો. દરમિયાન અધિકારીઓએ અસ્થિર હવામાનની ચેતવણી જારી કરી છે. રાષ્ટ્રીય હવામાન કેન્દ્રે દેશના ઘણા વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે અને લોકોને ‘અત્યંત સાવધ’ રહેવા માટે કહેવામાં આવ્યું છે. દેશમાં અસાધારણ તીવ્રતાની ખતરનાક હવામાન ઘટનાઓની આગાહી કરવામાં આવી છે. ઓમાનમાં ભારે વરસાદને કારણે 18 લોકોના મોત થયા છે.
ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવતા પેસેન્જર પ્લેન ડાયવર્ટ કરવામાં આવ્યા. આ ઉપરાંત દિવસ દરમિયાન એરપોર્ટની ગતિવિધિઓ 25 મિનિટ માટે સ્થગિત પણ કરવી પડી. એરપોર્ટ પરથી 50થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે. દુબઈ એરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું કે ગંભીર વાવાઝોડાને કારણે બપોરે 25 મિનિટ માટે કામગીરી અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી હતી, જો કે તે ફરી શરૂ થઈ ગઈ છે અને હવે રિકવરી મોડમાં છે.