કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે છત્તીસગઢના કાંકેર જિલ્લાના માડ વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચેના એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને મળેલી મોટી સફળતા પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે સુરક્ષા દળોના ઓપરેશનની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે ટૂંક સમયમાં જ દેશ નક્સલવાદથી મુક્ત થઈ જશે.
અમિત શાહે આગળ લખ્યું કે, “નકસલવાદ એ વિકાસ, શાંતિ અને યુવાનોના ઉજ્જવળ ભવિષ્યનો સૌથી મોટો દુશ્મન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમે દેશને નક્સલવાદના ડંખથી મુક્ત કરવા માટે કટિબદ્ધ છીએ. સરકારની આક્રમક નીતિ અને સુરક્ષા દળોના પ્રયાસોને કારણે આજે નક્સલવાદનો પ્રભાવ નાના ક્ષેત્ર સુધી જ રહ્યો છે. ટૂંક સમયમાં છત્તીસગઢ અને આખો દેશ નક્સલવાદથી સંપૂર્ણપણે મુક્ત થઈ જશે.
આ ઓપરેશનમાં સુરક્ષા દળોએ 29 નક્સલીઓને ઠાર કર્યા છે. તમામ મૃતદેહો મળી આવ્યા છે. જેમાં નક્સલવાદી નેતા શંકર રાવ પણ સામેલ છે. આ અથડામણમાં BSFના ઈન્સ્પેક્ટર રમેશ ચૌધરી સહિત ત્રણ જવાન ઘાયલ થયા છે. સુરક્ષા દળોની કામગીરીની પ્રશંસા કરતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે માઇક્રોબ્લોગિંગ સાઇટ પર લખ્યું છે કે હું ઘાયલ થયેલા બહાદુર પોલીસકર્મીઓના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું.
સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે સાડા પાંચ કલાક સુધી અથડામણ ચાલી હતી. ડીઆઈજી ઈન્ટેલિજન્સ આલોક કુમાર સિંહે જણાવ્યું કે, આ અથડામણમાં BSF ઈન્સ્પેક્ટર રમેશ ચૌધરી સહિત ત્રણ જવાન ઘાયલ થયા છે. તેમાંથી 2 ડીઆરજી કર્મચારીઓ છે. સ્થળ પરથી 5 AK-47 મળી આવી હતી.