ટેસ્લાના CEO એલન મસ્કનો ભારત પ્રવાસ રદ થયો છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે એલન મસ્કે પોતાનો ભારતનો પ્રવાસ સ્થગિત કરી દીધો છે. જોકે, હજુ પ્રવાસ રદ થવાનું કારણ સામે આવ્યું નથી પરંતુ એવું માનવામાં આવે છે મસ્કનો પ્રવાસ ટેસ્લાના પ્રથમ ત્રિમાસિક પ્રદર્શન વિશે સવાલોના જવાબ આપવા માટે 23 એપ્રિલે અમેરિકામાં એક કોન્ફરન્સ કોલને કારણે ટાળવામાં આવ્યો છે.
એક રિપોર્ટ અનુસાર ટેસ્લાના માલિક એલન મસ્કનો ભારતનો પ્રવાસ રદ થયો છે. 23 એપ્રિલે ટેસ્લાના ત્રિમાસિક પરિણામ વિશે જાણકારી આપવા માટે તે હાજર રહેશે.
એલન મસ્ક ભારતના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાના હતા અને ટેસ્લાના ભારતના ભવિષ્ય વિશે ચર્ચા પણ કરવાના હતા. મસ્કે 10 એપ્રિલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરતા કહ્યું હતું, ‘ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાતને લઇને ઉત્સુક છું.’
મોદી અને મસ્ક અત્યાર સુધી 2 વખત મળી ચુક્યા છે. બન્નેની 2015માં કેલિફોર્નિયામાં ટેસ્લાની ફેક્ટરીમાં મુલાકાત થઇ હતી. તે બાદ જૂન 2023માં બન્ને ન્યૂયોર્કમાં પણ મળ્યા હતા.ગુજરાત અને મહારાષ્ટ્ર બન્ને રાજ્ય સરકાર ટેસ્લાને પોતાનો પ્લાન્ટ સ્થાપવા માટે જમીન આપવાની વાત કરી છે. 2થી 3 અબજ અમેરિકન ડૉલરના રોકાણનું અનુમાન છે. ટેસ્લાનો ટાર્ગેટ ઇલેક્ટ્રિક વાહનોની ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય બન્ને માંગોને પૂર્ણ કરવાનો છે.