બોમ્બે હાઈકોર્ટે એક સુનાવણી દરમિયાન સ્પષ્ટ કર્યું હતું કે જાહેર ક્ષેત્રની બેંકો લોન ડિફોલ્ટર્સ સામે લુક આઉટ સર્ક્યુલર જારી કરી શકે નહીં. કોર્ટે કહ્યું કે તેમને આવું કરવાનો કાનૂની અધિકાર નથી. આ નિર્ણય બાદ સરકારી બેંકો દ્વારા જારી કરવામાં આવેલ એલઓસી રદ કરવામાં આવશે.
જસ્ટિસ ગૌતમ પટેલ અને જસ્ટિસ માધવ જામદારની ખંડપીઠે કેન્દ્ર સરકારના ઑફિસ મેમોરેન્ડમની કલમને ગેરબંધારણીય જાહેર કરી હતી. આ કલમમાં જાહેર ક્ષેત્રની બેંકોને આવા કેસમાં LOC જારી કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું કે ઇમિગ્રેશન બ્યુરો આવા એલઓસી પર પગલાં લેશે નહીં. કોર્ટે સ્પષ્ટ કર્યું કે તેનો નિર્ણય કોઈપણ િટ્રબ્યુનલ અથવા ફોજદારી અદાલતના આદેશને અસર કરશે નહીં, જેમાં કોઈને વિદેશ પ્રવાસ કરતા અટકાવવામાં આવ્યા હોય.
વાસ્તવમાં, કેન્દ્ર સરકારે 2018માં બેંકોને LOC જારી કરવાનો અધિકાર આપ્યો હતો. આ અંતર્ગત જો કોઈ વ્યક્તિનું વિદેશ જવું દેશના આર્થિક હિત માટે નુકસાનકારક હોય તો તેને રોકી શકાય છે. અરજદારોએ કહ્યું કે, દેશના આર્થિક હિતની તુલના કોઈપણ બેંકના નાણાકીય હિત સાથે કરી શકાય નહીં.