ગેરકાયદે હથિયાર મામલે ગુજરાત ATSની મહત્ત્વની કાર્યવાહી કરી છે. 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસની ટીમે આરોપીઓ પાસેથી 25 હથિયાર (પિસ્ટલ) અને 90 જીવતા કાર્ટુસ જપ્ત કરવામાં આવ્યા છે.
ગુજરાત એટીએસની ટીમને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીઓ ટ્રાવેલ્સના માધ્યમથી હથિયારોની હેરાફેરી કરતા હતા. આરોપીઓ અન્ય રાજ્યમાંથી હથિયાર લાવીને ગુજરાતમાં તેનું વેચાણ કરતા હતા. આ ગુનાનો મુખ્ય આરોપી શિવમ ટ્રાવેલનો ધંધો કરે છે. શિવમ ગુજરાતમાં હથિયારો લાવીને અન્ય આરોપીઓને આપતો હતો. અન્ય આરોપી કમિશન લઈ આગળ વેચતા હતા.
ATS દ્વારા હથિયાર તસ્કરીના ગુનામાં શિવમ ડામોર, પ્રવિણ શ્રીવાસ, સંજય મેર, રાજુ સરવૈયા, વિપુલ સાનિયા અને મનોજ ચૌહાણની ધરપકડ કરી છે. મુખ્ય સૂત્રધાર મનાતો શિવમ ડામોર મધ્યપ્રદેશથી ટ્રાવેલ્સમાં હથિયાર લઈને આવતો હતો. મધ્યપ્રદેશથી જામખંભાણીયા સુધી ટ્રાવેલ્સની હેરાફેરી દરમ્યાન હથિયારનું વેચાણ થતું હતું. શિવમની નારોલ વિસ્તારમાંથી ધરપકડ કર્યા બાદ તેની પૂછપરછમાં છેલ્લા 3 મહિનામાં અલગ અલગ વિસ્તારોમાં રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગરમાં હથિયારોનું વેચાણ કર્યું હતું. એ પછીથી પોલીસે રેડ કરી તમામ હથિયારો કબજે લીધા છે.