ભારતીય લશ્કરના જવાનોના મોબાઇલ ફોનમાં માલવેર મોકલીને જાસૂસી કરવાના પાકિસ્તાનના ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ પર્દાફાશ ગુજરાત એટીએસે કર્યો છે. ગુજરાત એટીએસને મિલિટરી ઇન્ટેલિજન્સ પાસેથી ઇનપુટ મળ્યા હતા કે એક પાકિસ્તાની જાસૂસે તેના ફોનમાં શંકાસ્પદ લિંક (વાઇરસ) મોકલીને ભારતીય લશ્કરના જવાનોનો ડેટા હેક કર્યો હતો અને ભારતીય લશ્કરની ગુપ્ત માહિતી લીક કરી હતી.
મિલિટરી ઇન્ટેલિજન્સની બાતમીના પગલે ગુજરાત એટીએસે ત્વરિત ધોરણે તપાસ આદરી હતી. આ તપાસમાં ગુજરાત એટીએસના હાથમાં એક નંબર આવ્યો હતો. એટીએસે આ નંબરની તપાસ કરતા આ નંબર જામનગરના મોહમ્મદ સકલૈનના નામે નોંધાયેલો હોવાનું જાણવામાં આવ્યું હતું. તેના નંબરનું સીમકાર્ડ અસગરને આપવામાં આવ્યું હતું. અસગર પણ જામનગરનો છે. પાકિસ્તાન એમ્બેસીમાં કામ કરતાં એક વ્યક્તિએ આ સીમકાર્ડ ગુજરાતના આણંદ જિલ્લાના તારાપુરના રહેવાસી લાભશંકર મહેશ્વરીને આપ્યું હતું. 2005માં તેમણે અને તેમની પત્નીએ ભારતીય નાગરિકત્વ મેળવ્યું હતું. તેના પછી લાભશંકરે 2022માં પાકિસ્તાન વિઝા માટે અરજી કરી હતી, પરંતુ વિઝામાં વિલંબ થયો હતો. તેના લીધે તેણે પાકિસ્તાનમાં રહેતા તેની માસીના પુત્ર કિશોર સાથે વાત કરી હતી. કિશોરે લાભશંકરને વોટ્સએપ પર પાકિસ્તાન દૂતાવાસમાં કોઈની સાથે વાત કરવા જણાવ્યું હતું. તેના પછી લાભશંકર અને અને તેની પત્નીના વિઝા મંજૂર થયા હતા. બંને પાકિસ્તાન ચાલ્યા ગયા હતા. પછી તેણે ફરીથી પાકિસ્તાન એમ્બેસીનો સંપર્ક સાધ્યો હતો અને તેની બહેન અને તેના બાળક માટે પાકિસ્તાની વિઝાની મંજૂરી મેળવી હતી.
આ સીમકાર્ડના વોટ્સએપ નંબરનો ઉપયોગ પાકિસ્તાનમાં બેઠેલા આર્મી જવાન, જાસૂસ કે આર્મીના એજન્ટ દ્વારા એરફોર્સ જવાનના ફોનનો એક્સેસ મેળવવામાં સફળ થયો તો. એપોર્સ જવાનના ફોનના એક્સેસ મેળવીને આરોપોએ બિનઅધિકૃત રીતે કમ્પ્યુટર રીસોર્સમાં પ્રવેશ મેળવીને ભારતીય લશ્કરની ગુપ્ત માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. આમ દેશની એક્તા અને સુરક્ષાને જોખમમાં નાખવાના ઇરાદાથી થયેલા ગંભીર કૃત્ય અંગે ગુજરાત એટીએસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ ગુનામાં અસગર, લાભશંકર અને મોહમ્મદ સકલૈનની ધરપકડ કરવામાં આવી છે. અન્ય ફરાર આરોપીઓને પકડવા એટીએસ તપાસ ચાલી રહી છે.