મહિલાનો આરોપ છે કે રાજ્યપાલે તેને તેના બાયોડેટા સાથે રાજભવન ખાતેની ચેમ્બરમાં આવવા કહ્યું, જ્યાં તેની છેડતી કરવામાં આવી. મહિલાએ વધુમાં કહ્યું કે તેમણે આ અંગે પહેલા રાજભવન સ્થિત ચોકી પર તૈનાત પોલીસકર્મીઓને ફરિયાદ કરી હતી. ત્યાંથી તેને પોલીસ સ્ટેશન જવાનું કહેવામાં આવ્યું.
કોલકાતા રાજભવનની એક હંગામી મહિલા કર્મચારીએ રાજ્યપાલ ડૉ. સીવી આનંદ બોઝ પર છેડતીનો સનસનાટીભર્યો આરોપ લગાવ્યો છે. મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મહિલા ગુરુવારે સાંજે લગભગ 7 વાગે હેર સ્ટ્રીટ પોલીસ સ્ટેશન ગઈ હતી અને રાજ્યપાલે તેની બે વખત છેડતી કરી હોવાનો દાવો કરતી લેખિત ફરિયાદ નોંધાવી હતી. પહેલી ઘટના ગત 24 એપ્રિલે બની હતી. જે બાદ ગુરુવારે સાંજે ફરી તેની છેડતી કરવામાં આવી હતી. તેના પર રાજભવને કહ્યું છે કે ‘સત્યની જીત થશે.’
પોલીસ દ્વારા મહિલાની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે. એવું જાણવા મળ્યું છે કે મહિલા 2019થી રાજભવનમાં હંગામી ધોરણે કામ કરી રહી છે. તે રાજભવન સંકુલમાં આવેલી હોસ્ટેલમાં રહે છે. બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસે આ અંગે રાજ્યપાલ પર નિશાન સાધ્યું છે.
રાજ્યપાલે પણ મોડી સાંજે મહિલાના આરોપોનો જવાબ આપ્યો હતો. ગવર્નર બોસે એક નિવેદન જારી કરીને કહ્યું કે ‘સત્યની જીત થશે. હું ષડયંત્રથી ડરતો નથી. જો કોઈ મને બદનામ કરીને ચૂંટણીમાં ફાયદો ઈચ્છે છે, તો ભગવાન તેમનું ભલું કરે. પરંતુ બંગાળમાં ભ્રષ્ટાચાર અને હિંસા સામેની મારી લડાઈને નહીં રોકી શકો’