હરદીપસિંહ નિજ્જરની હત્યામાં લોરેન્સ બિશ્નોઇ ગેન્ગનો હાથ હોવાની આશંકા, ત્રણ ભારતીયની ધરપકડ
કેનેડા પોલીસે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા સાથે જોડાયેલા કેસમાં ત્રણ આરોપીની ધરપકડ કરી છે. કેનેડિયન ન્યૂઝ એજન્સી અનુસાર, ત્રણેય આરોપી ભારતીય છે, તેમને એડમોન્ટનથી પકડવામાં આવ્યા છે. પોલીસ છેલ્લા કેટલાક મહિનાથી તેમના પર નજર રાખતી હતી. પોલીસનું માનવું છે કે ધરપકડ કરાયેલા લોકો તે કથિત હિટ ગ્રુપનો ભાગ છે જેમને ગત વર્ષે ભારત સરકારે નિજ્જરની હત્યા કરવાનું કામ સોપ્યું હતું.
પોલીસ કમિશનર મનદીપ મૂકરે જણાવ્યું કે જે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાં કરણ બરાર (22 વર્ષ), કમલ પ્રીત સિંહ (22 વર્ષ) અને કરણ પ્રિત સિંહ (28 વર્ષ) સામેલ છે. ત્રણેય લોકો અર્લ્બર્ટાના એડમોન્ટનના રહેવાસી છે. કોર્ટના રેકોર્ડ અનુસાર, ત્રણેય પર હત્યાની સાથે હત્યાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે ત્રણેય આરોપીઓનો ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઇ ગેન્ગ સાથે પણ સંપર્ક છે. આ 2021માં ટેમ્પરરી વિઝા લઇને કેનેડા આવ્યા હતા. કેનેડા પોલીસ અનુસાર, ત્રણેય લોકો છેલ્લા ત્રણથી પાંચ વર્ષથી કેનેડામાં રહેતા હતા. આસિસ્ટન્ટ કમિશનર ડેવિડ ટેબોલે કહ્યું કે તપાસ ચાલુ છે અને ભારત સરકાર સાથે સંબંધને પણ જોવામાં આવી રહ્યું છે. હત્યામાં અન્ય લોકો પણ સામેલ હોઇ શકે છે અને આગામી સમયમાં પણ કેટલીક ધરપકડ થઇ શકે છે.
હરદીપસિંહ નિજ્જર એક શિખ અલગાવવાદી નેતા હતો. તે સાર્વજનિક રીતે ખાલિસ્તાન માટે કામ કરતો હતો, તેની માંગ ભારતમાં એક અલગ આઝાદ શિખ રાષ્ટ્રની હતી. 1970ના દાયકામાં શિખોના એક ગ્રુપે એક અલગાવવાદી વિદ્રોહ શરૂ કર્યો હતો ત્યારથી આ આંદોલન તે દેશમાં એક્ટિવ છે, જ્યાં શિખોની વસ્તી વધારે છે.