ઈ-કોમર્સ પ્લેટફોર્મનો ટ્રેન્ડ ઝડપથી વધ્યો છે. સામાન્ય રીતે, જ્યારે ગ્રાહકો કોઈ પ્રોડક્ટ ખરીદે છે, ત્યારે તેઓ સૌ પ્રથમ તેનું રેટિંગ અને સમીક્ષાઓ તપાસે છે. જો તે યોગ્ય અને સારું હોય તો પ્રોડક્ટ ખરીદવામા આવે છે. આવામાં ઈ-કોમર્સ કંપનીઓ માટે ગ્રાહક સમીક્ષાઓના ગુણવત્તા ધોરણોનું પાલન કરવાનું ફરજિયાત બનાવવાનું વિચારી રહી છે. એક ટોચના અધિકારીએ સોમવારે જણાવ્યું હતું કે નકલી સમીક્ષાઓ પર વધુ અસરકારક રીતે અંકુશ લગાવવામાં આવશે. સ્વૈચ્છિક પ્રયાસો નિષ્ફળ જતાં સરકારે આ નિર્ણય લીધો છે.
સરકારે એક વર્ષ પહેલા ઈ-કોમર્સ માટે નવા ગુણવત્તા માપદંડો જારી કર્યા હતા, તેમને પેમેન્ટ-આધારિત સમીક્ષાઓ પ્રકાશિત કરવાથી પ્રતિબંધિત કર્યા હતા. આવી પ્રચાર સામગ્રીનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો જોઈએ તેમ પણ જણાવાયું હતું. ઉપભોક્તા બાબતોના મંત્રાલયના સચિવ નિધિ ખરેએ જણાવ્યું હતું કે આ હોવા છતાં પણ ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ઉત્પાદનો અને સેવાઓની નકલી સમીક્ષાઓ સામે આવી રહી છે.
તેમણે કહ્યું, ’ઓનલાઈન સમીક્ષાઓ પર સ્વૈચ્છિક ધોરણોને સૂચિત કર્યાને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે. કેટલીક સંસ્થાઓ દાવો કરે છે કે તેઓ તેનું પાલન કરે છે. જો કે, નકલી સમીક્ષાઓ પણ પ્રકાશિત કરવામાં આવી રહી છે. ખરેએ કહ્યું, ’ગ્રાહકના હિતોનું રક્ષણ કરવા માટે અમે હવે આ ધોરણોને ફરજિયાત બનાવવા માંગીએ છીએ.’ તેમણે કહ્યું કે મંત્રાલયે પ્રસ્તાવિત પગલા અંગે ચર્ચા કરવા માટે 15 મેના રોજ ઈ-કોમર્સ કંપનીઓ અને ગ્રાહક સંગઠનો સાથે બેઠકનું આયોજન કર્યું છે. મંત્રાલય હેઠળના બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સએ નવેમ્બર 2022 માં ઓનલાઈન ગ્રાહક સમીક્ષાઓ માટે એક નવું ધોરણ જારી કર્યું હતું. આ હેઠળ, પ્રાયોજિત સમીક્ષાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.