દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને 21 મે મંગળવારના રોજ હાઈકોર્ટ અને રાઉઝ એવન્યુ કોર્ટમાંથી દારૂ નીતિ કેસ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં રાહત મળી નથી.દિલ્હી હાઈકોર્ટે તેમના જામીન ફગાવી દીધા હતા. રાઉઝ એવન્યુ કોર્ટના નિર્ણય સામે તેઓ હાઈકોર્ટમાં પહોંચ્યા હતા. નીચલી કોર્ટે 30 એપ્રિલે તેમને જામીન આપ્યા ન હતા. કોર્ટે તેમને તેમની બીમાર પત્નીને અઠવાડિયામાં એકવાર મળવાની પરવાનગી આપી છે.
બીજી તરફ, સવારે રાઉઝ એવન્યુ કોર્ટે સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 31 મે સુધી લંબાવી હતી. આજે તેમની જ્યુડિશિયલ કસ્ટડી પૂરી થઈ રહી હતી, જેથી તેમને જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.દિલ્હી હાઈકોર્ટે કહ્યું, ‘સિસોદિયા પ્રભાવશાળી વ્યક્તિ છે. તેમની વિરુદ્ધ અનેક લોકોએ નિવેદનો આપ્યા છે. આથી તેઓ જામીન પર બહાર આવીને આ લોકોને નિવેદન બદલવા કહે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.
સિસોદિયા લગભગ 15 મહિનાથી તિહારમાં બંધ છે. CBI દ્વારા 26 ફેબ્રુઆરી 2023ના રોજ તેમની ધરપકડ કરવામાં આવી હતી. તે જ સમયે, EDએ CBI FIR સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં 9 માર્ચ, 2023ના રોજ સિસોદિયાની ધરપકડ કરી હતી. 28 ફેબ્રુઆરી 2023ના રોજ, સિસોદિયાએ દિલ્હી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું.