એસટી બસ કે મુંબઈ લોકલમાં પણ બધી સીટ ભરાઈ જાય તે પછી અનેક લોકો ઊભા ઊભા પ્રવાસ કરે છે તેવું બને છે પરંતુ ઈન્ડિગોની મુંબઈથી વારાણસીની ફલાઈટમાં એક પ્રવાસીને બેસવાની જગ્યા ન મળતાં તેણે થોડીવાર અંદર જ ઊભા રહેવું પડયું હતું. ફલાઈટે ટેક ઓફની તૈયારી શરુ કરી દીધી હતી અને ફલાઈટ રન વે પર દોડવા પણ લાગી હતી. તે જ વખતે ક્રૂને એક પ્રવાસી ઊભા ઊભા જ પ્રવાસ કરી રહ્યો છે તેવો ખ્યાલ આવતાં તેમણે પાયલોટને જાણ કરી હતી અને આ ફલાઈટ પાછી વાળવામાં આવી હતી.
ઈન્ડિગોની ફ્લાઈટ ૬ઈ૬૫૪૩ ઉડ્ડયન અગાઉ રનવે પર દોડવા લાગી હતી. એક પ્રવાસીને ઊભો રહેલો જોઈ ક્રૂ તેને તેની સીટ પર બેસી જવા કહેવા ગયા હતા. જોકે, પ્રવાસીએ કહ્યું હતું કે પોતાના માટે કોઈ સીટ જ નથી. ક્રૂને કોઈ ગરબડ થયાનો ખ્યાલ આવ્યો હતો. ક્રૂએ પાયલોટને જાણ કરી હતી કે ઓવરબૂકિંગના કારણે એક પ્રવાસીની સીટ નક્કી ન હોવા છતાં તેનું બોર્ડિંગ થઈ ગયું છે. આખરે વિમાન પાછુ પાર્કિંગ સ્થળ પર લાવવામાં આવ્યું હતું. વધારાના પ્રવાસીને ઉતારવામાં આવ્યો હતો અને વિમાનમાંના તમામ પ્રવાસીઓનું કેબિન બેગેજ ફરી ચેક ઈન કરાયું હતું અને એક કલાકના વિલંબ પછી ફ્લાઈટ રવાના કરવામાં આવી હતી.
ઈન્ડિગો એરલાઈનના બચાવ કર્યો હતો કે વિમાન રવાના થવા અગાઉ વિમાન રવાના થવા અગાઉ જ આ ગરબડ ધ્યાને આવી હતી અને વધારાના પ્રવાસીને ઊતારી દેવામાં આવ્યો હતો. પ્રવક્તાએ કહ્યું કે, ”બોર્ડિંગ પ્રક્રિયા દરમ્યાન એક સ્ટેન્ડબાય (વધારાના પ્રવાસી જો કોઈ પ્રવાસી નહીં આવે તો તેના સ્થાને) પ્રવાસીને એક કન્ફર્મ્ડ પ્રવાસીની બેઠક ફાળવી દેવામાં આવી હતી. વિમાન રવાના થવા અગાઉ આ ભૂલ શોધી કાઢવામાં આવી હતી અને સ્ટેન્ડબાય પ્રવાસીને ઉતારી દેવામાં આવ્યો હતો. વિમાન રવાના સમયમાં થોડો વિલંબ થયો હતો. તમામ પ્રક્રિયાને સુદઢ કરવા ઈન્ડિયો તમામ પગલાં ભરશે અને પ્રવાસીઓને પડેલી અગવડ બદલ ખેદ વ્યક્ત કરે છે.”
ફલાઈટમાં એક પણ બેઠક ખાલી ન રહી જાય તે માટે માટે વિમાની કંપનીઓ ઘણીવાર, ક્ષમતાથી વધુ પ્રવાસીઓનું બુકિંગ કરે છે. માન્ય ટિકિટ ધરાવતી પ્રવાસીને વિમાનમાં બોર્ડિંગ કરવા નહીં દેવાયેલ તેવા કિસ્સાઓમાં નિયમનકાર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (ડીજીસીએ) એરલાઈનને પેનાલ્ટી કરતું હોય છે. 2016માં જાહેર કરાયેલા નિયમો અનુસાર ફ્લાઈટ રવાના થવાના નિર્ધારિત સમયની એક કલાકની અંદર પ્રવાસી માટે વૈકલ્પિક ફ્લાઈટ ગોઠવી આપવામાં આવે તો પ્રવાસીઓને વળતર આપવા એરલાઈન બંધાયેલી નથી. જો 24 કલાકમાં બીજી ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવે તો વનવે બેઝિક ફેરના 200 ટકા અને એરલાઈન ફ્યુલ ચાર્જ જેટલું વળતર ચૂકવવાનું રહે છે. વળતર માટે 10,000ની ટોચ મર્યાદા રાખવામાં આવી છે.