ગુજરાત ATSએ 19 મે, 2024ની રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી આવેલા ચાર આતંકવાદીને ઝડપી લીધા હતા. ત્યાર બાદ આ ચારેય આતંકીને 20 મેના રોજ મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે તેમના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ગુજરાત ATSએ કરેલી તપાસમાં આતંકીઓના મોબાઈલમાંથી તમિળમાં શપથ લેતો વીડિયો પણ મળ્યો હતો. ATSએ કરેલી મોહંમદ નુસરત, મોહંમદ નફરાન, મોહંમદ રસદીન અને મોહંમદ ફરીસની પૂછપરછમાં નવા ખુલાસાઓ થયા છે.
એરપોર્ટ પર ઊતરેલા ચારેય આતંકવાદીઓ શું કરવાના હતા? તેની હજુ સુધી પુષ્ટી ભલે થઈ નથી. પરંતુ એટલું નક્કી છે કે તેઓ હથિયારોથી ખૂબ જ વાકેફ હતા. આ ચારેયને દરેક પ્રકારની ટ્રેનિંગ મળી છે તે વાત પણ નક્કી છે. પરંતુ ટ્રેનિંગ ક્યાં લીધી અને કયા કારણથી ISIS સાથે જોડાયા તે અંગે વિગતો મેળવવામાં વાર લાગે તેવી પરિસ્થિતિ છે. આ ઉપરાંત ગુજરાત ATSએ ખુલાસો કર્યો છે કે,આ ચાર આતંકીઓમાંથી નુસરત અને નાફરાન 38થી 40 વખત ભારતમાં આવ્યા હતા. આ અંગે ATSના DIG એ કહ્યું હતું કે, ચાર આતંકવાદીઓમાંથી બે આતંકી એવા નુસરત અને નાફરાન 38થી 40 વખત ભારતમાં આવ્યા હતા. હાલમાં પ્રોટોન મેઈલ અને સિગ્નલ એપ્લિકેશનની તપાસ ચાલી રહી છે. તેમના ઓરિજિનલ નંબર મેળવવા પણ પ્રયાસો શરૂ કરી દેવાયા છે.