સરથાણાના હીરાના વેપારીને વિશ્વાસમાં લઈ મુંબઈના લેભાગુ હીરાવેપારીએ 17.65 લાખના હીરાનો માલ બારોબાર વેચી મારી નાણા ચાંઉ કરી દીધા છે. યોગીચોકની દેવ રેસીડન્સીમાં રહેતા અને હીરાનો વેપાર કરતા 47 વર્ષીય પ્રકાશ કલ્યાણ કપુરીયાના સાઢુભાઈ મારફતે મુંબઈના હીરાના વેપારી હિંમત ગોયાણી સાથે ઓળખાણ થઈ હતી. આરોપી હિંમત ગોયાણી મુંબઈમાં શિવશક્તિ જેમ્સના પ્રોપાઇટરના નામે ધંધો કરે છે. મુંબઈના વેપારી ગોયાણીએ હીરા બજારમાં મોટો વેપારી છું કહી સુરતના વેપારીને વિશ્વાસમાં લીધો હતો. શરૂઆતમાં હીરાનો માલ લઈ વેપારીને વાયદા પ્રમાણે પેમેન્ટ આપી દીધું હતું.
ઓગસ્ટ-23થી સપ્ટેમ્બર-23 સુધી એટલે કે 1 મહિનામાં મુંબઈના વેપારીએ સુરત આવી હીરાના વેપારીની કાપોદ્રા તુલસી એપાર્ટમેન્ટમાં આવેલી ઓફિસેથી 17.65 લાખનો હીરાનો માલ ક્રેડિટ પર લીધો હતો. વેપારીએ ઉઘરાણી કરી તો ખોટા વાયદા કરી બાદમાં હાથ ઊંચા કરી દીધા હતા. જેથી વેપારીએ કાપોદ્રા પોલીસમાં ફરિયાદ આપી છે. પોલીસે મુંબઈના લેભાગુ હીરાના વેપારી હિંમત કરશન ગોયાણી (રહે. મુંબઈ)ની સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે.