સાતમા તબક્કાની ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ I.N.D.I.A. ગઠબંધનની સરકાર બનવાનો દાવો કર્યો છે. રાહુલે કોંગ્રેસના કાર્યકરોને બબ્બર શેર ગણાવ્યા હતા અને કહ્યું કે હું વિશ્વાસ સાથે કહેવા માંગુ છું કે I.N.D.I.A. સરકાર બનવા જઈ રહી છે. તેમણે એમ પણ કહ્યું કે મતગણતરીના દિવસે છેલ્લી ઘડી સુધી મતદાન મથક પર કાર્યકરોએ EVM પર નજર રાખે.
રાહુલે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ડિબેટ ન કરવા પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે ઘણા મોટા વિદ્વાનો અને નેતાઓએ વડાપ્રધાનને તેમની સાથે ડિબેટ કરવા કહ્યું હતું. પરંતુ તેઓ ડિબેટ કરી શક્યા નહીં. હવે ડિબેટ કરવી પણ શક્ય નથી કારણ કે વડાપ્રધાન મૌનવ્રત પર ઉતરી ગયા છે.
રાહુલે કહ્યું કે હું ગઠબંધનના તમામ નેતાઓ અને કાર્યકરોનો હૃદયપૂર્વક આભાર માનું છું, જેઓ દેશના બંધારણ અને સંસ્થાઓને બચાવવા માટે અડીખમ ઉભા છે. તેમણે કહ્યું કે અમે જનતાની ચિંતાના વાસ્તવિક મુદ્દાઓ પર ચૂંટણી લડવામાં સફળ રહ્યા છીએ અને વડાપ્રધાનના વારંવાર પ્રયાસો છતાં ખેડૂતો, મજૂરો, યુવાનો, મહિલાઓ અને વંચિતો માટે અવાજ ઉઠાવ્યો છે.