કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે INDIA ગઠબંધનની બેઠક મળી હતી. લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ INDIA ગઠબંધનની આગળની રણનીતિ નક્કી કરવા માટે બેઠક મળી હતી.બેઠક બાદ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, INDIA ગઠબંધન સરકાર બનાવવાનો પ્રયાસ નહીં કરે, મોદીની નીતિઓ વિરૂદ્ધ લડતા રહીશું.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, INDIA ગઠબંધન તે તમામ રાજકીય પક્ષોનું સ્વાગત કરે છે જે ભારતના બંધારણની પ્રસ્તાવનામાં અતૂટ વિશ્વાસ રાખે છે અને તેના આર્થિક,સામાજિક અને રાજકીય ન્યાયના ઉદ્દેશ્યો માટે પ્રતિબદ્ધ છે. ખડગેએ કહ્યું કે 18મી લોકસભા ચૂંટણીનો જનમત સીધી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ છે. ચૂંટણી તેમના નામ અને ચહેરા પર લડવામાં આવી હતી અને જનતાએ ભાજપને બહુમત ના આપીને તેમના નેતૃત્ત્વ પ્રત્યે સ્પષ્ટ મેસેજ આપ્યો છે. વ્યક્તિગત રીતે મોદીજી માટે આ માત્ર રાજકીય પરાજય નથી પણ નૈતિક હાર પણ છે.
બેઠકમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી,NCP(SCP)ના શરદ પવાર અને તેમના દીકરી સુપ્રિયા સુલે, શિવસેના (ઉદ્ધવ જૂથ)ના સંજય રાઉત,સપાના અધ્યક્ષ અખિલેશ યાદવ, RJDના તેજસ્વી યાદવ, DMKના નેતા એમકે સ્ટાલિન, AAP નેતા રાઘવ ચઢ્ઢા અને CPI(M)ના સીતારામ યેચુરી સહિત કેટલાક નેતા હાજર હતા.






