નૈઋત્યનું ચોમાસું મુંબઈ સુધી પહોંચી ગયુ છે એટલે ગુજરાતથી ચોમાસું થોડું જ દૂર છે. રાજ્યમાં રવિવારે સાંજથી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અનેક વિસ્તારોમાં વીજળી અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. જેના કારણે લોકોને કાળઝાળ ગરમી અને બફારાથી રાહત મળી હતી. હાલ ગુજરાતમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી થઇ રહી છે જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હજી ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદી વાતાવરણ રહેશે.
હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં આજે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ, બોટાદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર સૌરાષ્ટ્ર વિસ્તારના જિલ્લાઓમાં ખાસ કરીને અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે છૂટાછવાયા સ્થળો પર સામાન્ય વરસાદ વરસી શકે છે
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં આવનારા બે દિવસમાં અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જેમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે. સાથે જ આ દિવસો દરમિયાન જે સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે તેમાં પંચમહાલ, દાહોદ, મહીસાગરનો સમાવેશ થાય છે
આ સાથે તેમણે જણાવ્યુ હતુ કે, આજથી 13 જૂન સુધી સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે. થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે 30થી 40 કિમીની ઝડપે પવન ફુંકાવવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યુ હતુ કે, 12 તારીખ સુધીમાં લગભગ દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થશે. કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા રહેશે.