કેન્દ્રીય પ્રધાનમંડળમાં ખાતાઓની વહેંચણીમાં મોટાભાગના સિનિયર મંત્રીઓના ખાતામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી ત્યારે કોરોના દરમિયાન નેત્રદીપક કામગીરી કરનાર મનસુખભાઈ માંડવિયાનું ખાતુ બદલાતા ઘણાંને આશ્ચર્ય થયું હતું. સૂત્રો કહે છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ખાસ મિશન માટે માંડવિયાની પસંદગી કરી છે.
ચૂંટણીમાં સૌથી મોટી સમસ્યા બેરોજગારી તથા શ્રમિકોમાં નારાજગી હોવાની પ્રતીતિ થઈ છે ત્યારે આ દિશામાં ભગીરથ કામગીરી કરવાનું મિશન માંડવિયાને સોંપાયું છે. મેક ઈન ઈન્ડિયાની સામે સૌથી મોટો પડકાર આપણા જૂના શ્રમ કાયદા છે. મેક ઇન ઇન્ડિયાને સફળ બનાવવા ભારત સરકારે ચાર નવા લેબર કોડ બનાવ્યા છે, પરંતુ કાર્યદક્ષ અને કુનેહવાળા શ્રમમંત્રીના અભાવે આ લેબર કોડ હજી સુધી લાગુ થઈ શક્યા નથી. આવનારા સમયમાં નવા શ્રમ કાનૂન લાગુ કરવા અને રોજગારીનો દર સુધારી બેરોજગારી ઓછી કરવા માટે, ભારત સરકાર માટે સૌથી સમસ્યા અને પડકાર રોજગાર છે, તે માટે ડૉ. મનસુખ માંડવિયાને આ જવાબદારી સોંપી હોવાનું મનાય છે. 2036માં ભારત ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવાનું છે. જેના માટે હવે ટૂંકો સમય બાકી છે, ત્યારે વૈશ્વિક કક્ષાએ ભારતનું નામ ઉજળું બને તે માટે ડો. મનસુખ માંડવિયાને રમત ગમત મંત્રાલય સોંપાયું છે.