યાત્રાધામ પાવાગઢ ખાતે શ્વેતાંમ્બર જૈન મૂર્તિઓને નુકસાન કરવામાં આવ્યું હોવાના ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં જૈન સમાજમાં ભારે રોષ ફેલાયો છે. બન્ને તરફ આવેલી હજારો વર્ષ જૂની જૈન તીર્થંકરોની પ્રતિમાઓને વિકાસના નામે તોડી( ખંડિત)ને ફેંકી દેતા ભારે હોબાળો મચી ગયો છે. રવિવારે મોડી સાંજે મોટી સંખ્યામાં જૈનો પાવાગઢ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને તોડફોડ રોકીને જવાબદારો સામે પગલાં લેવા માટે માંગ કરી હતી. જૈન સમાજના અગ્રણીઓ અને સભ્યો મોડી રાત્રે કલેક્ટર ઓફિસ ધસી ગયા હતા.
પાવાગઢ તીર્થ વિકાસ સમિતિનું કહેવું છે કે પાવાગઢ ડુંગર ઉપર મંદિર તરફ જવા માટે જૂના દાદરા છે. તેની બન્ને બાજુ ગોખલાઓમાં ૨૨મા તીર્થંકર નેમિનાથ ભગવાન સહિત ૭ મૂર્તિઓ હજારો વર્ષથી સ્થાપિત છે. જૈનો ત્યાં રોજ સેવા પૂજા માટે જાય છે. જૈન સ્થાપત્યોની આ ધરોહરને ઇરાદાપૂર્વક નુકસાન પહોંચાડવામાં આવ્યું છે તેવા ફોટા સહિતની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં જૈન સમાજમાં આક્રોશ ફેલાયો હતો. કેટલાક જૈન અગ્રણીઓએ પાવાગઢ પોલીસ સ્ટેશનના અધિકારીઓને ટેલિફોનિક સંપર્ક કરી જવાબદાર તત્વો સામે પોલીસ ફરિયાદ નોંધવાની તૈયારી દર્શાવી હતી. પોલીસ તરફથી પણ આ મામલે સંપૂર્ણ સહયોગ આપવાનું આશ્વાશન આપવામાં આવ્યું છે. ત્યારે શ્વેતાંમ્બર જૈન પૌરાણિક મૂર્તિઓને કોણે નુકસાન પહોચાડ્યું છે અને તે પાછળનો ઈરાદો શું હતો, તે તપાસનો વિષય બન્યો છે.