ભાવનગરના ભાલ વિસ્તારમાં આવેલ ગણેશગઢ નજીક એપેક્સ હોટલ પાસેથી એલસીબી પોલીસે વિદેશી દારૂ ભરેલ ટ્રક સાથે ૦૪ શખ્સને ઝડપી લઇ વિદેશી દારૂ, ટ્રક, બાઈક સહિત કુલ રૂ.૧૩.૨૮ લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ એલ.સી.બી. પોલીસ સ્ટાફ ગત રાત્રિના સમયે ભાવનગર અમદાવાદ શોર્ટ રૂટમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, ટ્રક નં.જી.જે.૦૪-એ.ડબલ્યુ-૭૪૧૪ માં વિદેશી દારૂનો જથ્થો ભરી આ ટ્રક ભાવનગર તરફ આવી રહ્યો છે અને બે બાઈક પર સવાર બે શખ્સ આ ટ્રકનું પાયલોટિંગ કરી રહ્યા છે. આ બાતમીના આધારે એલસીબી પોલીસે ભાવનગર અમદાવાદ શોર્ટ રૂટ પર આવેલ ગણેશગઢ ગામ નજીકની એપેક્સ હોટલ પાસે વોચમાં રહી આ સ્થળેથી પસાર થઈ રહેલ બે બાઇક તેમજ ટ્રકને અટકાવી ટ્રકની તલાશી લેતા ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ કંપનીની ૩૪૮ બોટલ, કિં. રૂ.૨,૬૩,૦૨૦ મળી આવી હતી.
એલસીબી પોલીસે વિદેશી દારૂનો જથ્થો, ૦૨ બાઈક, ૦૧ ટ્રક,૦૩ મોબાઈલ ફોન મળી કુલ રૂ.૧૩,૨૮,૦૨૦/- ના મુદ્દામાલ સાથે ટ્રકના ચાલક અલ્તાફ રજાકભાઈ ખોખર ( રહે. અમીપરા, શેલારશા ચોક, માળી વાળો ખાંચો, ભાવનગર ), મજીદ સલીમભાઈ શેખ ( રહે. દરબારી કોઠાર, બાપેસરા કુવા, ભાવનગર ) તેમજ મોટરસાઇકલ પર ટ્રકનું પાયલોટિંગ કરતા દિપક ઉર્ફે દિપો રમેશભાઈ વાઘેલા અને વિશાલ ઉર્ફે બાઠીંયો રમેશભાઈ ચૌહાણ ( રહે. બંને મોતીતળાવ, મફતનગર ) ની ધરપકડ કરી તમામ વિરુદ્ધ વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.