૧૦૦ વર્ષની વયે પણ પદ્મવિભૂષણ પ્રોફેસર આજે પણ દિવસભર સંશોધન પરત્વે કાર્યરત રહે છે. કહે છે, જ્ઞાન મેળવવાની કોઈ ઉંમર નથી હોતી. સંશોધનો અને નવું જાણવું એ જ તો મારા પ્રાણ છે. દેશના જાણીતા રસાયણશાસ્ત્રી અને હાલ ભાવનગર સ્થાઈ થયેલા પદ્મભૂષણ ડા. સુખદેવજીએ ૧૦૦ વર્ષ પુર્ણ કરી નોટ આઉટ ૧૦૧માં પ્રવેશ કર્યો છે. ‘નેચરલ પ્રોડક્ટ’ પર પીએચ.ડી.ની પદવી, ત્યારબાદ પી.એસસી. અને તે પછી એમઆઇટીમાં પોસ્ટ ડોક્ટરેટ વર્ક તેમણે કર્યું છે. આ રીતે સતત કાર્યરત રહ્યા અને સંશોધન ક્ષેત્રે પાછી પાની કરી નથી. રસાયણ વિજ્ઞાન અને આયુર્વેદના ૧૦ પુસ્તકો તેમણે લખ્યા છે તો ૫૫ પેટર્ન તેમના નામે રજીસ્ટર થયેલી છે. પદ્મભૂષણ ઉપરાંત શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ, સુદબ્રોહ ચંદ્રક, પીસી રોય એવોર્ડ, વિશ્વકર્મા મેડલ, અમેરિકન કેમિકલ સોસાયટીનો અર્નેસ્ટ મન્થર એવોર્ડ, વૈશ્વિક ઔદ્યોગિક એવોર્ડ સહિતના અનેક સન્માન તેમના નામે બોલે છે.આ માત્ર ભાવનગર જ નહીં, સમગ્ર ગુજરાત માટે ગૌરવરૂપ બાબત છે. ભાવનગરના જાણીતા ઉદ્યોગ ગૃહ લીલા ગ્રુપ ઓફ કંપનીઝના મોભી કોમલકાંત શર્માના સસરા અને ડાયરેક્ટર પૂર્ણિમાબેન શર્માના પિતા એવા પ્રો.સુખદેવજીએ નેવું વરસે રસોડામાં વપરાતા ‘મસાલાનું રસાયણશાસ્ત્ર’ પુસ્તક લખ્યું હતું અને ૧૦૧વર્ષે પણ તેઓ આજે પણ સંશોધન અને કશુંક નવું આપવા માટે કાર્યરત છે. સૌ કોઈ માટે પ્રેરણારૂપ એવા આદરણીય સુખદેવજીને લીલા ગ્રુપે જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે.