ICC T-20 વર્લ્ડ કપ 2024 સુપર-8ની છઠ્ઠી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે અમેરિકાને 9 વિકેટે હરાવ્યું છે. બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ સ્ટેડિયમમાં શનિવારે વેસ્ટ ઈન્ડિઝે ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને અમેરિકાને 19.5 ઓવરમાં 128 રનમાં આઉટ કરી દીધી. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝે 10.5 ઓવરમાં એક વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.
વેસ્ટ ઈન્ડિઝ તરફથી શાઈ હોપે 39 બોલમાં 82* રનની ઇનિંગ રમી હતી. નિકોલસ પૂરને 12 બોલમાં 27* રન બનાવ્યા હતા. અમેરિકા તરફથી એકમાત્ર વિકેટ હરમીત સિંહને મળી હતી. આ જીત સાથે જ વેસ્ટ ઈન્ડિઝે સેમિફાઈનલની આશા જીવંત રાખી છે. હવે તેમનો મુકાબલો સાઉથ આફ્રિકા સામે છે. સા. આફ્રિકા આ વર્લ્ડ કપમાં હજુ સુધી હાર્યું નથી. તો બીજી તરફ પહેલીવાર T20 વર્લ્ડ કપ રમી રહેલી એસોસિયેટ નેશન એવી અમેરિકાની ટીમ ટૉપ-4ની રેસમાંથી બહાર થઈ ગઈ છે.
અગાઉ, અમેરિકા તરફથી એન્ડ્રીસ ગૌસે 29, નીતિશ કુમારે 20, મિલિંદ કુમારે 19 અને અલી ખાને 14 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી આન્દ્રે રસેલ અને રોસ્ટન ચેઝે 3-3 વિકેટ ઝડપી હતી. અલ્ઝારી જોસેફે 2 વિકેટ લીધી હતી. ગુડાકેશ મોતીને એક વિકેટ મળી હતી. મિલિંદ કુમાર રન આઉટ થયો હતો. વેસ્ટ ઈન્ડિઝની ટીમ બે વખત T-20 વર્લ્ડ કપનો ખિતાબ જીતી ચૂકી છે. અમેરિકા પ્રથમ વખત વર્લ્ડ કપ રમી રહ્યું છે.