દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-1 પર છત પડી જવાને કારણે મોટી દુર્ઘટના થઈ છે. શુક્રવારે સવારે ટર્મિનલ 1 પર એરપોર્ટની છત એક વાહન પર પડી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-1ની છત પડતા અનેક વાહનો તેની ઝપેટમાં આવી ગયા હતા. આ ઘટનામાં છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને એક વ્યક્તિ ફસાઈ ગયો હતો. આજે સવારે 5.30 વાગ્યે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-1ની છત તૂટી જવાની માહિતી ફાયર વિભાગને મળી હતી, આ માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. આ ઘટનામાં ઘણી કારો દબાઈ ગઈ હતી. એક કારમાં સવાર ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બીજી એક કારમાં એક વ્યક્તિ ફસાઈ ગયો હતો, તેને ફાયર વિભાગે બચાવી લીધો હતો.