અગ્નિપથ યોજના વિરોધ વચ્ચે મોદી સરકારે મોટો નિર્ણય લીધો આ વર્ષની આ યોજના હેઠળ ભરતી માટેની મહત્તમ વય મર્યાદા 21 વર્ષથી વધારીને 23 વર્ષ કરી છે. સેનામાં ભરતી માટે લાગુ કરાયેલ નવી અગ્નિપથ યોજના અંગે દેશભરમાં પ્રદર્શનો થઈ રહ્યા છે. આ દરમિયાન મોદી સરકારે નિર્ણય લીધો છે. સંરક્ષણ મંત્રાલયે આ યોજના હેઠળ આ વર્ષની ભરતી માટેની મહત્તમ વય મર્યાદા 21 વર્ષથી વધારીને 23 વર્ષ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, મંગળવારે અગ્નિપથ યોજનાની જાહેરાત કરતા સરકારે કહ્યું હતું કે તમામ નવી ભરતી માટે વય મર્યાદા 17 થી 21 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
કેન્દ્ર સરકારના સંરક્ષણ મંત્રાલયે ગુરુવારે મોડી રાત્રે અગ્નિપથ યોજનાને લઈને ફેરફાર કર્યા છે. સંરક્ષણ મંત્રાલયે અગ્નિપથ યોજના હેઠળ ભરતી માટે મહત્તમ વય મર્યાદા વધારીને 23 વર્ષ કરી છે. જે અંતગર્ત ભરતી માટેની મહત્તમ વય મર્યાદામાં બે વર્ષનો વધારો કરાયો છે. જો કે, યુવાનોને સેવાની મહત્તમ ઉંમરમાં બે વર્ષની છૂટનો લાભ માત્ર એક જ વાર મળશે. એટલે કે, અગ્નિપથ યોજના હેઠળ પ્રથમ વખત યોજાનારી ભરતી પ્રક્રિયામાં 23 વર્ષ સુધીના યુવાનો ભાગ લઈ શકશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.
અગ્નિપથ યોજનાની જાહેરાત કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે મંગળવારે ત્રણેય સેનાના વડાઓની હાજરીમાં કરી હતી. જેને ટૂર ઓફ ડ્યુટી નામ આપવામાં આવ્યું હતું. જેમાં સરકારે 17 વર્ષથી લઈ 21 વર્ષની વય મર્યાદા નક્કી હતી.
દેશના ઘણા શહેરોમાં યુવાનોએ આ યોજના વિરૂદ્ધ પ્રદર્શન કર્યું હતું. બિહાર, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડનું નામ ટોચ પર છે. બીજી બાજુ યુવાનોનું આ પ્રદર્શન ઘણી જગ્યાએ હિંસક બની ગયું હતું. વિપક્ષ કેન્દ્રની અગ્નિપથ યોજના પર સતત પ્રહારો કરી રહ્યું છે. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ આ યોજનાનો વિરોધ કરતાં કહ્યું છે કે, આ એક સંવેદનશીલ વિષય છે.