ઉત્તર પ્રદેશના ઉન્નાવથી દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર એક ટેન્કર અને ડબલ ડેકર બસની ટક્કર થતાં બસ ઘણી વખત પલટી ગઈ. આ અકસ્માતમાં 18 મુસાફરોના મોત થયા છે જ્યારે 30થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ ડબલ ડેકર બસ બિહારના સીતામઢીથી દિલ્હી આવી રહી હતી.
આજે સવારે સાડા ચાર વાગ્યે જ્યારે બસ ઉન્નાવના બેહતા મુજાવર પોલીસ સ્ટેશન વિસ્તારના ગડા ગામની સામે પહોંચી ત્યારે પાછળથી દૂધ ભરેલા એક ઝડપી ટેન્કરે તેને ઓવરટેક કર્યો અને તે દરમિયાન તે બસ સાથે અથડાઈ. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ડબલ ડેકર બસના ટુકડા થઈ ગયા હતા. જ્યાં અકસ્માત થયો હતો ત્યાં મૃતદેહોનો ઢગલો હતો. વહેલી સવારે બનેલા આ અકસ્માતથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા હતા.