ખાદ્યપદાર્થોમાંથી વંદા, ગરોળી, જીવજંતુ નીકળવાની ઘટનાઓ ઉપરા છાપરી બનતા અમદાવાદ મ્યુનિ. સહિતના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગોએ પેટા કાયદામાં સુધારાની સરકારને ભલામણ કરી છે. હાલ આ ભલામણો તૈયાર થઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એક વખત પેટા કાયદામાં સુધારો થશે પછી ખાદ્યપદાર્થમાંથી જીવજંતુ નીકળે તો હોટેલ-રેસ્ટોરાં 5 હજાર દંડ ભરી છૂટી નહીં શકે.
છેલ્લા 6 મહિનામાં ખાદ્યપદાર્થોમાંથી જીવજંતુ નીકળ્યા 21 ઘટના બની છે. અત્યારે એવું બને છે કે, આવી બેદરકારી પકડાવા છતાં હોટેલ કે રેસ્ટોરાંનો માલિક માંડ 5 હજાર દંડ ભરીને છૂટી જતો હોય છે. જીપીએમસી એક્ટ હેઠળ મહત્તમ 5 હજાર દંડની જોગવાઈ છે. એકમ સીલ થાય તો પણ પેસ્ટ કંટ્રોલનું સર્ટિફિકેટ રજૂ કરી માલિક છૂટી જતા હોય છે, કાયદાનો કોઈ ડર રહેતો નથી. પેટા કાયદામાં સુધારા કરવામાં આવે પછી કસૂરવાર એકમો પર મોટી રકમનો દંડ લદાઈ શકે છે કે તે લાંબા સમય સુધી સીલ થઈ શકે છે. હજુ સુધી દંડ વધારીને કેટલો રાખવો કે કેટલી સમયમર્યાદા સુધી એકમ સીલ કરવું તેનો અંતિમ નિર્ણય સરકારની મંજૂરી પછી લેવામાં આવશે.
જીપીએમસી એક્ટ મુજબ જ્યાં 5 હજારનો મહત્તમ દંડ લેવાય છે, ત્યાં સુધારા બાદ દંડની રકમમાં અનેકગણો વધારો થઈ શકે છે. ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ સીલિંગની સત્તા નહીં હોવાનું કહેવાય છે, જો કે આ બાયલોઝમાં હોટેલ-રેસ્ટોરાં સીલિંગની સત્તા મળી શકે છે. અખાદ્યપદાર્થનો નાશ કરવા માટે વધુ અસરકારક સત્તા મળી શકે છે. કાયદા મુજબ ગ્રાહક પોલીસ ફરિયાદ પણ કરી શકે છે.