રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા સામયિક ઓર્ગેનાઈઝરે રાષ્ટ્રીય વસતી નિયંત્રણ નીતિની હિમાયત કરી છે. ઓર્ગેનાઈઝર સાપ્તાહિકની તાજી આવૃત્તિના તંત્રી લેખમાં દેશમાં મુસ્લિમ વસતીમાં નોંધપાત્ર વૃદ્ધિથી સરહદીય વિસ્તારોમાં ડેમોગ્રાફિક સંતુલન જોખમાયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ઓર્ગેનાઈઝરના લેખમાં મુસ્લિમોની વસતીમાં પરિવર્તનને જોતા સામાજિક-આર્થિક અસમાનતા અને રાજકીય સંઘર્ષ ઊભા થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઓર્ગેનાઈઝરે વધતી મુસ્લિમ વસતી અને નીચા જન્મ દરના સંદર્ભમાં વસતી અસંતુલનનો મુદ્દો ઉઠાવ્યો છે. સાથે જ તેનાથી સીમાંકન સમયે પશ્ચિમી અને દક્ષિણી રાજ્યોને નુકસાનની વાત કરવામાં આવી છે. પીએમ મોદીના ત્રીજા કાર્યકાળમાં સીમાંકન થવાની સંભાવના છે.’ડેમોગ્રાફી, ડેમોક્રસી અને ડેસ્ટિની’ મથાળાવાળા લેખમાં સ્પષ્ટ કહેવાયું છે કે વસતી વૃદ્ધિનું એક મહત્ત્વપૂર્ણ પાસુ ધાર્મિક અને પ્રાદેશિક બંને દૃષ્ટિથી અસંતુલન છે. રાષ્ટ્રીય સ્તરે વસતી વૃદ્ધિ સ્થિર હોવા છતાં તે બધા જ ધર્મો અને પ્રદેશોમાં એક સમાન નથી. કેટલાક પ્રદેશો વિશેષરૂપે સરહદીય જિલ્લામાં મુસ્લિમ વસતીમાં નોંધપાત્ર વધારો થયો છે.
સરહદીય રાજ્યો પશ્ચિમ બંગાળ, બિહાર, અસમ અને ઉત્તરાખંડમાં સરહદ પારથી ગેરકાયદે પ્રવાસના કારણે અપ્રાકૃતિક વસતી વૃદ્ધિ જોવા મળી છે. લોકતંત્રમાં પ્રતિનિધિત્વ માટે સંખ્યા મહત્ત્વપૂર્ણ હોય છે. ત્યારે આપણે આ પ્રવૃત્તિ પ્રત્યે વધુ સાવધ રહેવું જોઈએ. આ લેખમાં ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ રાહુલ ગાંધી, મમતા બેનરજી અને ડીએમકે પર નિશાન સાધવામાં આવ્યું છે. લેખમાં જણાવાયું છે કે રાહુલ ગાંધી જેવા નેતા ક્યારેક હિન્દુ ભાવનાઓનું અપમાન કરવાનું જોખમ ઉઠાવી શકે છે. મમતા મુસ્લિમો દ્વારા મહિલાઓ પર અત્યાચારોને સ્વીકાર કરવા માટે પણ મુસ્લિમ કાર્ડ રમી શકે છે.
દ્રવિડ પક્ષો વસતી અસંતુલન સાથે વિકસિત તથાકથિત લઘુમતી વોટ-બેન્કના એકીકરણ પર વિશ્વાસ કરીને સનાતન ધર્મને ગાળો આપવામાં ગૌરવ અનુભવી શકે છે. જોકે, વિભાજનની ભયાનક્તા અને પશ્ચિમ એશિયન તથા આફ્રિકન દેશોનું રાજકીય રૂપે યોગ્ય પરંતુ સામાજિક અને સાંસ્કૃતિકરૂપે અયોગ્ય પ્રવાસન સાથે જે થઈ રહ્યું છે, તેના પરથી બોધપાઠ શીખતા આપણે આ મુદ્દાનો તાત્કાલિક ઉકેલ લાવવાની જરૂર છે.