રશિયાનો પ્રવાસ પૂરો કરીને PM મોદી યુરોપિયન દેશ ઓસ્ટ્રિયા પહોંચ્યા છે. અહીં પણ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. યુરોપીયન દેશમાં વડાપ્રધાનનું રેડ કાર્પેટ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. ઓસ્ટ્રિયાના વિદેશ મંત્રી એલેક્ઝાંડર શૈલેનબર્ગ ખુદ પીએમ મોદીને રિસીવ કરવા એરપોર્ટ પહોંચ્યા હતા. પીએમ મોદીનું સ્વાગત કર્યા બાદ એલેક્ઝાંડર શૈલેનબર્ગે ટ્વિટ કર્યું, ‘ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઓસ્ટ્રિયાની ઐતિહાસિક મુલાકાત પર હાર્દિક સ્વાગત છે. આપણા રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠ છે. અમારા દેશો વચ્ચેની ભાગીદારી વૈશ્વિક સુરક્ષા, સ્થિરતા અને સમૃદ્ધિ માટે સંયુક્ત પ્રતિબદ્ધતા પર આધારિત છે. ચાન્સેલર કાર્લ નેહમરે ઓસ્ટ્રિયા પહોંચેલા પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદી સાથે સેલ્ફી પોસ્ટ કરતા તેમણે કહ્યું, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિયેનામાં આપનું સ્વાગત છે. ઑસ્ટ્રિયામાં તમારું સ્વાગત કરવું એ આનંદ અને સન્માનની વાત છે. ઓસ્ટ્રિયા અને ભારત મિત્રો અને ભાગીદાર છે. હું તમારી મુલાકાત દરમિયાન અમારી રાજકીય અને આર્થિક ચર્ચાઓ માટે આતુર છું!’