ચીનની વધુ એક નાપાક હરકત સામે આવી છે. વાસ્તવમાં પૂર્વ લદ્દાખમાં સફળતા ન મળ્યા બાદ હવે ચીનની નજર PoK પર છે. સેટેલાઇટ તસવીરોથી જાણવા મળ્યું છે કે, ચીન કઝાકિસ્તાનમાં 13 હજાર ફૂટની ઉંચાઈ પર લશ્કરી મથક બનાવી રહ્યું છે. આ સ્થળ PoKની ખૂબ નજીક છે. ચીન આ વિસ્તારમાં ગુપ્ત સૈન્ય મથક બનાવવા અને ત્યાં આર્ટિલરી જમા કરવા માંગે છે. હાલમાં ચીને મીડિયામાં આ પ્રકારના સમાચારોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે અને તેને પાયાવિહોણા ગણાવ્યા છે.
ચીન હંમેશા વિસ્તરણવાદી માનસિકતા ધરાવે છે. ચીન હંમેશા તેના પડોશી દેશોની જમીન પર કબજો કરવાનો પ્રયાસ કરે છે. આ વખતે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ચીન PoKને અડીને આવેલા કઝાકિસ્તાનમાં એક સૈન્ય મથક બનાવી રહ્યું છે અને આ કામ દાયકાઓથી ચાલી રહ્યું છે. આ વાતનો ખુલાસો ધ ટેલિગ્રાફના એક રિપોર્ટમાં થયો છે જેમાં સેટેલાઇટ તસવીરોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, ચીન લગભગ એક દાયકાથી કઝાકિસ્તાનમાં સૈન્ય મથક બનાવી રહ્યું છે. તે 13 હજાર ફૂટની ઉંચાઈ પર છે. સોવિયત યુનિયન અને રશિયાથી અલગ થયા પછી કઝાકિસ્તાન એક સ્વતંત્ર દેશ બન્યો.
ચીની દૂતાવાસે કહ્યું કે, કઝાકિસ્તાનમાં ચીનના સૈન્ય મથકને લઈને મીડિયામાં ફરતા સમાચાર સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા છે. આ મુદ્દો ચીન-કઝાકિસ્તાનના એજન્ડામાં પણ સામેલ નથી. વાસ્તવમાં મેક્સર ટેક્નોલોજિસે સેટેલાઇટથી લીધેલી કેટલીક તસવીરો શેર કરી છે જેના સંદર્ભમાં દાવો કરવામાં આવ્યો છે કે, ચીન એક ગુપ્ત સૈન્ય મથક બનાવી રહ્યું છે. તસવીરોમાં મિલિટરી બેઝની દિવાલો અને પહોંચવાના રસ્તાઓ દેખાઈ રહ્યા છે.