લોકસભાની ચૂંટણીમાં EVMમાં પડેલાં મતો અને મત ગણતરી વખતના આંકડામાં ઘણો તફાવત જોવા મળી રહ્યો છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મના રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે કે, આખાય દેશમાં બધીય બેઠકો પર કૂલ મળીને પાંચ કરોડ મતોના ફેરફાર જોવા મળતાં એક નવો વિવાદ ઉભો થયો છે.
ગુજરાતની લોકસભાની 26 બેઠકો પૈકી 24 બેઠકોમાં કૂલ 15,521 મતોનો ફેરફાર જોવા મળ્યો છે. ક્યાક મતો વધુ પડ્યાં છે તો ક્યાંક ઓછા મત પડ્યાં છે. જેના પગલે રાજકીય હોહાપોહ મચ્યો છે. એટલું જ નહીં, ઇલેક્શન કમિશનની વિશ્વસનિયતા સામે સવાલો ઉઠ્યાં છે. લોકસભાની ચૂંટણી 2024માં ચૂંટણી પંચે જે આંકડા જાહેર કર્યાં હતાં અને મતગણતરીના દિવસે મતોની ગણતરી થઇ તેમાં ઘણાં મતોમાં તફાવત જોવા મળ્યો છે. ADRના રિપોર્ટ મુજબ, ગુજરાતની વાત કરીએ તો 26 બેઠકો પૈકી 24 બેઠકોમાં 8 મતોથી માંડીને 3100 મતોનો તફાવત જોવા મળ્યો છે. કાં તો મતો ઓછાં છે, કાં તો જાહેર કરેલાં મતો કરતાં વધુ મત છે.
ગુજરાતમાં 24 બેઠકો પર કૂલ મળીને 15,521 મતોનો તફાવત જોવા મળ્યો છે. મુખ્યત્વે ભાવનગરમાં 2096, ખેડામાં 2222, પાટણમાં 1577, બારડોલીમાં 3197 અને આણંદમાં 1337 મતોનો ફરક જોવા મળ્યો છે. જોકે, મતમાં ફેરફાર એ પરિણામ બદલવા માટે જવાબદાર ન હોય પણ ચૂંટણીપંચની વિશ્વસનિયતા સામે આંગળી ચિંધાઇ છે.
એસોસિએશન ફોર ડેમોક્રેટિટ રિફૉર્મ્સ (ADR)એ લોકસભા ચૂંટણી 2024ને લઇને દાવો કર્યો છે કે 538 સંસદીય ક્ષેત્રમાં નાખવામાં આવેલા મત અને ગણવામાં આવેલા મતોની સંખ્યામાં અંતર છે. ADRના વિશ્લેષણ અનુસાર, હાલની લોકસભા ચૂંટણીમાં 362 લોકસભા બેઠકમાં પડેલા 5,54,598 મત ઓછા ગણવામાં આવ્યા છે. 176 લોકસભા બેઠક એવી છે જ્યાં પડેલા કૂલ મતથી 35,093 વોટ વધારે ગણવામાં આવ્યા છે. આ મામલે ચૂંટણી પંચ તરફથી કોઇ પ્રતિક્રિયા આવી નથી.