નોઈડામાં બુધવારે સવારે એક દુઃખદ દુર્ઘટના સર્જાઈ હતી. નોઈડામાં એક ઘરમાં લાગેલી આગમાં ત્રણ બાળકીઓ જીવતી સળગી ગઈ હતી. પિતા પણ દાઝી ગયા હતા, તેમની હાલત નાજુક છે.
ઘરમાં ચાર્જિંગ દરમિયાન ઈ-રિક્ષાની બેટરીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ અકસ્માત બુધવારે સવારે 4 વાગ્યે થયો હતો. તે સમયે આખું ઘર ગાઢ નિંદ્રામાં હતું. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે કોઈને બહાર નીકળવાનો સમય જ ન મળ્યો. પિતાએ બાળકીઓને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ બેભાન થઈને પડી ગયા હતા. માતા પણ આગમાં દાઝી ગઈ હતી. બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના સેક્ટર-8 ખાતેની જેજે કોલોનીમાં બની હતી. DCP રામ બદન સિંહે કહ્યું કે, આસપાસ રહેતા લોકોએ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયરની બે ગાડીઓએ 10 મિનિટમાં આગ પર કાબુ મેળવ્યો હતો, પરંતુ ત્રણેય બાળકીઓને બચાવી શકાઈ ન હતી.
દોલત રામ ઈ-રિક્ષા ચલાવે છે અને ભાડાના મકાનમાં રહે છે. ઈ-રિક્ષાની બેટરી રૂમમાં રાખવામાં આવી હતી, જે ચાર્જિંગમાં લગાવેલી હતી. ચાર્જિંગ દરમિયાન શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હોવાની આશંકા છે. ડીસીપી રામબદન સિંહે કહ્યું કે, બાળકીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પીડિતાના પરિવારના અન્ય સંબંધીઓ પણ આવી ગયા છે.