સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદી સમુહ ઇસ્લામિક સ્ટેટ ઇન ઇરાક એન્ડ ધી લેવંટ-ખોટાસાને (ISIL-K) ભારતમાં વ્યાપક હુમલાઓ કરવામાં નિષ્ફળ જતાં ભારતમાં જ રહેલા તેના આકાએ એવા જુવાનોને આતંકવાદની તાલિમ આપવાનો નિર્ણય કર્યો છે કે જેઓ એકલે હાથે પણ જુદાં જુદાં સ્થળોએ આતંકી હુમલા કરી શકે.
આઈએસઆઈએલ-કે, અલકાયદા અને તેની સાથે જોડાયેલી વ્યક્તિઓ કે સંસ્થાઓ અંગે સંયુક્ત રાષ્ટ્રોએ એક વિશ્લેષણાત્મક રીપોર્ટ તૈયાર કર્યો છે. આ ૩૪મો અહેવાલ મંગળવારે રજૂ કરાયો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે યુએનના સભ્ય દેશોએ ચિંતા દર્શાવી છે કે મૂળભૂત રીતે અફઘાનિસ્તાનમાંથી પેદા થયેલો આ આતંકવાદ અસલામતિનું કારણ બની રહે તેમ છે. આ અહેવાલમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં સામુહિક રીતે વિનાશ કરવામાં અને આતંક ફેલાવવામાં નિષ્ફળ જતાં હવે તે એવા જુવાનોની ભરતી કરવા માગે છે કે જેઓ એકલે હાથે આતંક ફેલાવી શકે. વિનાશ કરી શકે.
આ આતંકવાદી સંગઠને ઉર્દૂમાં એક પુસ્તિકા પ્રસિધ્ધ કરી છે. જેમાં હિન્દુ મુસ્લીમ દ્વેષ વધે તેવી બાબતો છપાઈ છે તેમજ ભારત સંબંધી તેની રણનીતિ રેખાંકિત કરવામાં આવી છે.
આ અંગે યુએનનો રિપોર્ટ જણાવે છે કે આઈએસઆઈએલ(કે) આ ક્ષેત્રમાં ગંભીર ખતરો બની રહ્યું છે. જેનું મૂળ અફઘાનિસ્તાનમાં છે. તહેરિક એ તાલિબાન એ પાકિસ્તાન (ટીટીપી) અને અલકાયદા તથા એક્યુઆઈએસ વચ્ચે સમર્થન અને સહયોગ વધ્યાં છે. અફઘાનિસ્તાનમાં આતંકવાદીઓને તાલિમ આપવા માટેની શિબિરો ચાલે છે. તેઓ તહરિકે જિહાદ એ પાકિસ્તાનનાં નામે વધુ ઘાતક હુમલા કરી રહ્યા છે.
અહેવાલ વધુમાં જણાવે છે કે પાકિસ્તાન સ્થિત આ આતંકવાદી સંગઠન તહેરિક એ તાલિબાન એ પાકિસ્તાન (ટીટીપી) અન્ય આતંકવાદી સંગઠનોને આશ્રય આપે છે. તેમાં પણ ટીટીપી અને ઓક્યુઆઈએસનું સંભવિત જોડાણ પાકિસ્તાન ખુદને માટે પણ ખતરારૂપ બની શકે તેમ છે. મુખ્યત: તો ભારત, બાંગ્લાદેશ અને મ્યાનમાર માટે ભારે મોટો ખતરો બની શકે તેમ છે. યુએનના સભ્ય દેશો પૈકી કેટલાકનું અનુમાન છે કે આઈએસઆઈએલ-(કે) આતંકીઓની સંખ્યા વધીને ૬,૦૦૦ જેટલી થઇ છે.