ઈન્દોરના ચંદન નગર વિસ્તારમાંથી બે બાળકોએ પોતાના માતા-પિતાથી એટલા દુઃખી થઈ ગયા કે તેમણે પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી દીધી હતી. બાળકોનું કહેવું હતું કે, તેમના પેરેન્ટ્સ ટીવી-મોબાઈલ જોવા દેતા નથી. ૨૧ વર્ષિય યુવતી અને તેનો આઠ વર્ષનો ભાઈ ફરિયાદ લઈને ચંદન નગર પોલીસ સ્ટેશનમાં માતા-પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ કિસ્સો ૨૫ ઓક્ટોબર ૨૦૨૧નો છે. કલમો પણ એવી લગાવી હતી કે, સાત વર્ષ સુધીની સજા થઈ શકતી હતી. ફરિયાદમાં ભાઈ બહેને આરોપ લગાવ્યો હતો કે, તેમના માતા-પિતા તેમને ખાવાનું આપતા નથી, ટીવી જોવા દેતા નથી અને વારંવાર તેમને લાકડીથી મારે છે અને ગાળાગાળી કરે છે.
હાઈકોર્ટમાં બાળકોના માતા-પિતાએ કહ્યું કે, મોબાઈલ ટીવીની લતથી દરેક ઘર કંટાળી ગયું છે. બાળકોને પહેલા પ્રેમથી સમજાવ્યા, બાળકોને ઠપકો આપવો સામાન્ય બાબત છે. દરેક ઘરમાં આ થતું હોય છે. તેમ છતાં પોલીસે ન ફક્ત ફરિયાદ નોંધી પણ ચલણ પણ ફાડી દીધું અને કોર્ટમાં રજૂ કરી દીધું.
ફરિયાદમાં દંપત્તિ પર એવો પણ આરોપ છે કે, તે પોતાના આઠ વર્ષિય દીકરાને ઘરના રુમમાં બંધ કરી રાખે છે, જેનાથી તે ખૂબ જ ડરેલો છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આ દંપત્તિની કથિત પ્રતાડનાના કારણે તે જૂન ૨૦૨૧માં પોતાના ઘરેથી ભાગીને ફુઈની સાથે રહેવા આવી ગયા હતા. પોલીસે કોર્ટમાં ચલણ રજૂ કર્યું હતું.
માતા-પિતાએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો. દંપત્તિના વકીલ ધર્મેન્દ્ર ચૌધરીએ ગુરુવારે જણાવ્યું કે, આ મામલામાં પોલીસે જિલ્લા કોર્ટમાં તેમના પક્ષકારો વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરી હતી અન ટ્રાયલ શરુ થઈ ગઈ હતી. જો કે મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર પીઠે એક કપલને રાહત આપતા નિચલી કોર્ટની સુનાવણી પર રોક લગાવી દીધી. આ સુનાવણી માટે નવ સપ્ટેમ્બરની તારીખ નક્કી કરી હતી.